દડો
યમુનામાં દડો પડ્યો, ને કાનો કૂદ્યો ધુબાક,
ગોવાળિયા સૌ ચીસો પાડે, ગોકુળ આખું અવાક.
કાળીનાગના ધરામાં, જ્યાં ના પંખી પણ ઊડે,
ત્યાં નાનકડો નંદકુંવર ઊતર્યો ઊંડે ઊંડે;
માતા જશોદા દોડી આવી, હૈયે ધ્રાસકો, ધાક…
યમુનામાં દડો…
નાગ-ફેણ પર નાચ્યો કાનો, વાગી વાંસળી મીઠી,
ઝેર ભરેલો નાગ થયો શાંત, જેણે બંસી દીઠી;
નાગણીઓ ઝૂકીને વિનવે, ‘બક્ષો, ગિરધર, માફ’…
યમુનામાં દડો…
પરાગ કહે: આ કાળીનાગ તો આપણી અંદર બેઠો,
ક્રોધ, લોભ ને અહંકારનો ધરો બહુ ઊંડો હેઠો;
મનની યમુના નિર્મળ કરવા, જોઈએ કાનની હાક…
યમુનામાં દડો…
– પરાગ રતનપરા