ચિંતા કરે
જન્મથી માણસ સતત આ નામની ચિંતા કરે,
ભક્ત પણ ભગવાન પાસે દામની ચિંતા કરે.
દીકરો પરદેશમાં, ને મા અહીં જાગ્યા કરે,
ને વળી એ દૂર બેઠો ગામની ચિંતા કરે.
ડૉક્ટરે કીધું, ‘તમે ચિંતા ન કરશો કૈં જ પણ’,
ત્યારથી એ ‘ના કરું’ એ કામની ચિંતા કરે.
એક બાળક રેતમાં ઘર બાંધતું ને તોડતું,
એ કદી ક્યાં કોઈ પાકા ઠામની ચિંતા કરે?
મ્હેક ક્યાં પૂછે, ‘હવા લઈ જાય ક્યાં?’, તેથી પરાગ
ના કદી ઘરબારની કે ધામની ચિંતા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ચિંતા #જીવન #બાળપણ #નિશ્ચિંતતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Worry #Anxiety #ChildlikeJoy #LetGo #ParagRatanpara