← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૯૪૬૬–૯૪૮૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૯૪૬૬.
ઓરડે મા ના રહી, તો ઓરડો મોટો થયો,
ખાટલો એનો હજી એ ઓરડાના મધ્યમાં.

૯૪૬૭.
રોજ સિગ્નલ લાલ, ને હું રોજ મોડો ઑફિસે,
જિંદગી લીલી બની, ત્યાં સાંજ પણ ઢળતી હતી.

૯૪૬૮.
વાદળો ગાજ્યાં, ગયાં, પણ ખેતરે કોરી ધરા,
આભ તાકે છે કિસાનો, આંખ ઝરમર થાય છે.

૯૪૬૯.
આયનો મારો નથી, એ તો બધાનો છે, છતાં
રોજ પૂછે છે: ‘મને તું ઓળખે છે કે નહીં?’

૯૪૭૦.
પાંચ વરસે આવતો નેતા ભરી લઈ વાયદા,
ગામમાં ખાડા જ ખાડા, ને ખબરમાં ફાયદા.

૯૪૭૧.
તેં ઝરૂખે કોતરેલું નામ મારું ત્યાં હતું,
એ ઝરૂખો તો ગયો, પણ ઝળહળે છે નામ ત્યાં.

૯૪૭૨.
ફૂલ તો મૂંગું હતું, ને ગુંજતો ભમરો હતો,
વાત આખા બાગમાં તો આ પરાગે વિસ્તરી.

૯૪૭૩.
કેટલાયે સંત આવ્યા, શાસ્ત્ર લઈ સમજાવવા,
એક ખાલી ઓસરીએ મૃત્યુ સમજાવ્યું મને.

૯૪૭૪.
દોસ્ત એવો, જે કદી મારી ગઝલ વાંચે નહીં,
તોય મારા દુઃખમાં પડખે ખભો થઈ જાય છે.

૯૪૭૫.
ગામથી આવ્યો હતો તો પોટલીમાં રોટલા,
આજ થાળી છે ભરેલી, ભૂખ ભાંગી ના કદી.

૯૪૭૬.
શબ્દ સાચો હોય તો તાળી ન માગે કોઈની,
ફૂલને ક્યાં જોઈએ છે દાદ ફોરમ આપવા?

૯૪૭૭.
વાંસળી તો વાંસની છે, ફૂંક છે બસ શ્યામની,
સૂર ક્યાંથી નીપજે, એ જાણતી બસ રાધિકા.

૯૪૭૮.
ડોલરે ઘર તો ખરીદ્યું, બાગ પણ મોટો થયો,
આંગણે તુલસી ન ઊગી ત્યાં કદી, એ ખોટ છે.

૯૪૭૯.
રોટલી જેવો જ ગોળો ચાંદ દેખાયો ગગન,
એક ભૂખ્યું બાળ આખી રાત એને તાકતું.

૯૪૮૦.
ભીંત ઊંચી તેં ચણી કે ના પ્રવેશે વાયરો,
તોય તારા બાગમાં ફોરી ગયો છે આ પરાગ.

૯૪૮૧.
કાળનો કાંટો ફરે છે, આપણે અટકી ગયા,
ટ્રેન તો આગળ વધી, ને પ્લૅટફૉર્મે છે અમે.

૯૪૮૨.
એક છત્રી, બે જણા, ને મેહ ઝરમર વરસતો,
બેઉ અડધા ભીંજતા, ને બેઉ હૈયાં તરબતર.

૯૪૮૩.
‘આજથી જિમ, કાલથી ડાયેટ’, એવું રોજ હું,
ને સમોસું જોઈને ઢીલો પડું છું, શું કરું?

૯૪૮૪.
એ ગયાં, ને બાગમાં ખીલ્યાં નહીં ફૂલો ફરી,
તોય ભમરો ગાય છે, ને વાયરે ફરતો પરાગ.

૯૪૮૫.
ઉંમરે દાંતો ગયા, ને આંખ પણ ઝાંખી પડી,
તોય માની આંખમાં છે દીકરો નાનો હજી.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખમોંઘો માનવ દેહઆગલો લેખ →છૂટા શેર ૯૪૮૬–૯૫૦૫