← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૮૬૬–૮૯૩૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૮૬૬.
ગામમાં આંગણ હતું, તુલસી હતી, ગોરજ હતી,
ફ્લેટમાં એ સૌ સમેટી, એક કૂંડું થઈ ગયું.

૮૮૬૭.
ઓરડામાં સાંજ ઊભી છે હજી એ દિવસની,
તું ગયાની પળ પછી ઘડિયાળ પણ આગળ ન ગઈ.

૮૮૬૮.
મા છબીમાં છે હવે, ને હાર સૂકો થાય છે,
પણ રસોડે આજ પણ એની સુગંધો આવતી.

૮૮૬૯.
ફોન ગણતો હોય છે ડગલાં બધાં આખો દિવસ,
ફ્રીજ લગ બસ ચાલવાનું, એ જ મારી કસરતો.

૮૮૭૦.
આભ કોરું, ખેતરો કોરાં, ન કોરી આંખ એક,
એ જ ભીની આંખથી પાછો કરે છે વાવણી.

૮૮૭૧.
બાપનાં ચંપલ ચડાવી દોડતો'તો હું સદા,
આજ એ ચંપલ ઉતારું, તો ય પગ નાના પડે.

૮૮૭૨.
વૃક્ષ કાપી જે બનાવ્યો, એ જ દરવાજો હવે,
છાંયડાની વાત કરતો રોજ ખખડે રાતમાં.

૮૮૭૩.
હું સમંદર જેમ ઊંડો, તું કિનારો રેતનો,
રોજ આવું, નામ લખવા, ને પછી ભૂંસું ય હું.

૮૮૭૪.
દીકરી જ્યાં સાસરે ગઈ, ઘર થયું ખાલી બધું,
ઢીંગલી સાથે હવે બા વાત કરતી રાતભર.

૮૮૭૫.
‘કેમ છો?’ પૂછે બધા, ને ‘ઠીક’ બોલું હું સદા,
એ જ શબ્દોની પછીતે ડૂસકાં સૂતાં ઘણાં.

૮૮૭૬.
મંદિરે ઘંટો વગાડી, ભીડમાં ભૂલી ગયો,
બારણે બેઠા ભિખારીમાં જ ઈશ્વર ત્યાં હતો.

૮૮૭૭.
પત્ર તારા નામના મેં સેંકડો લખતો હતો,
એ ટપાલી પણ ગયો, ને પત્ર સઘળા મેજ પર.

૮૮૭૮.
છાપરાં ચૂતાં હતાં, ને ઊંઘ આવી ઘસઘસાટ,
બંગલાની ઠંડકે પણ ઊંઘની ગોળી ગળું.

૮૮૭૯.
એક ટીપું આંસુનું પડ્યું ગઝલના પાન પર,
ને ગઝલ આખી સવારે ઘાસ જેવી થઈ હરી.

૮૮૮૦.
ચાંદ પણ થાકી ગયો છે રાતભર જાગ્યા કરી,
તું ઝરૂખે ના હતી, તો એ ભલા કોને જુએ?

૮૮૮૧.
ફીત કાપી, ભાષણો કીધાં, ઘણી તાળી પડી,
એક વરસાદે જ પુલ એ ઝટ નદીમાં ડૂબિયો.

૮૮૮૨.
ચાલવાનું, દોડવાનું શીખવે છે આ નગર,
ક્યાંય થોભી બેસવાનું, એ નગર ના શીખવે.

૮૮૮૩.
ઓસરી ભીની, ઝરૂખો, ઘર, ગલી ભીનાં બધાં,
માત્ર મારી આંખ કોરી, તું નથી એ કારણે.

૮૮૮૪.
ઝાડ પર પંખી હતાં, તો ગામ જાગી ઊઠતું,
આજ એલાર્મો બજે, ને મન છતાં સૂતું રહે.

૮૮૮૫.
બે નદી મળતી હતી, ત્યાં તીર્થ પણ ઊભું થયું,
બે હૃદય ભેગાં થયાં, તો લોક દે છે ઠોકરો.

૮૮૮૬.
તું જ ભીતર, તું જ બાહર, તું જ દરિયો, તું જ નાવ,
ને પરાગે શોધવા તુજને ગયો કાશી સુધી.

૮૮૮૭.
દીવડાનું તેલ ખૂટ્યું, વાટ પણ ટૂંકી પડી,
તોય એણે અંધકારે હાર ના માની જરી.

૮૮૮૮.
એક બાળક ઊંઘમાં મલકે, જગે મા રાતભર,
એ જ મલકાટે ઉજાગર ફૂલ જેવા થઈ ગયા.

૮૮૮૯.
મેં બધી વાતો કરી, ને એક બાકી ત્યાં રહી,
જિંદગીભર એ જ વાતે આંખને ભીની કરી.

૮૮૯૦.
સાસુ બોલ્યાં: ‘બોલ ઓછું, કામ કર ઝાઝું સદા,’
ને પછી પોતે જ બોલ્યાં, સાંજ લગ, આખો દિવસ.

૮૮૯૧.
ફૂલ ખરતાં ડાળ તો ચુપચાપ ઊભી'તી ખરી,
મ્હેક ઊડી, ત્યાં જ આખું વૃક્ષ રડવા માંડિયું.

૮૮૯૨.
રાતભર ગણતો હતો, મારી છબી પર ‘વાહ’ સૌ,
મા ખડી'તી રૂબરૂ, એની તરફ જોયું નહીં.

૮૮૯૩.
રેલના બે પાટ જેવાં આપણે જીવ્યાં સદા,
સાથ પણ ચાલ્યા, છતાં ભેગાં થવાયું ના કદી.

૮૮૯૪.
ઘર મજાનું છે છતાં લાગે ધરમશાળા સમું,
કોણ પૂછે: ‘આવ, બેટા, ચાલ, થોડું જમ હવે’?

૮૮૯૫.
આ ‘પરાગે’ વાત માંડી ફૂલની આખી સભા,
ને પવન આવ્યો, બધા શ્રોતા ઉડી ચાલ્યા ગયા.

૮૮૯૬.
ઝૂંપડીમાં હું રહું, એથી ગઝલ સીધી સરળ,
કોઈ મોંઘો શબ્દ મારી પાસ રોકાતો નથી.

૮૮૯૭.
ગામ છોડ્યું, તોય પગમાં ગામની માટી હજી,
શ્હેરની ફરસે ય એની છાપ પડતી રોજ રોજ.

૮૮૯૮.
ફોનમાં સો મિત્ર છે, ને બર્થડે પર લાખ ‘વિશ’,
જન્મદિન સાંજે છતાં હું કેક કાપું એકલો.

૮૮૯૯.
વૃદ્ધ મા વૃદ્ધાશ્રમે પણ દીકરાનું સુખ ચહે,
રોજ પૂછે: ‘ફોન આવ્યો? એ મજામાં છે ખરો?’

૮૯૦૦.
કોઈ પથ્થર જો કદી પૂજાય છે, તો એટલે,
કે સહીને ટાંકણાંને, શિલ્પ થઈને મલકિયો.

૮૯૦૧.
સૂર્ય પણ નમતો રહે છે ઝૂંપડીના દ્વાર પર,
મ્હેલને પડદા હતા, તો રોશની પાછી વળી.

૮૯૦૨.
આંસુ મેં મૂક્યું હતું, એ હાસ્યના પરબીડિયે,
તું ગણી બેઠી ખુશી, ને એટલે છે મૌન તું.

૮૯૦૩.
વાંસળીના સૂર સુણતાં ગાય પાછી ઘર વળે,
એ જ ધૂને આજ પણ મારી ઉદાસી ઓગળે.

૮૯૦૪.
વાયદો ક્યાં? પ્રશ્ન કીધો, તો હસીને બોલિયા:
‘ચૂંટણી આવે ફરી, ત્યારે ફરી એ આપશું.’

૮૯૦૫.
આયનામાં બાપુ દેખાતા હવે તો રોજ રોજ,
ઉંમરે છોડ્યા મુખે સૌ બાપના હસ્તાક્ષરો.

૮૯૦૬.
રાત આખી ઓગળીને મીણબત્તી એ કહે:
‘સૌ ગયાં જોયા વિના, કે હું ય ઊંચી'તી કદી.’

૮૯૦૭.
લાકડી લઈ હાથમાં દાદા જતા ધીમે પગે,
ને સમય પણ એમની પાછળ જરા ધીમો પડે.

૮૯૦૮.
તું ગયાથી બાગમાં ફૂલો ન ઊગ્યાં એકપણ,
માત્ર કાંટા એ જ વાતે ખુશ થયા, કે છે જગા.

૮૯૦૯.
ઘર બળે તો શું? નવી ઈંટો ફરી ચણશું અમે,
પણ બળેલો આ ભરોસો કોણ પાછો આપશે?

૮૯૧૦.
નોટ પર ગાંધી હસે છે, આજ પણ એવું જ સ્મિત,
લાંચમાં જ્યારે ફરે, ત્યારે ય એ મૂંગા રહે.

૮૯૧૧.
મ્હેક ક્યાંથી? વાયરાએ ફૂલને પૂછ્યું જરા,
ફૂલ બોલ્યું, ‘આ પરાગે ભૂલથી વેરી હશે.’

૮૯૧૨.
આંગણું થાક્યું, ઝરૂખો, બારણું થાકી ગયું,
ઉંબરે બેઠી હજી મા, થાક એને ક્યાં હતો?

૮૯૧૩.
રોજ સપને ગામની ભીની નદી આવે મને,
ને સવારે ભાળ, ઓશીકું ભરેલું ભેજથી.

૮૯૧૪.
જિમ ગયો ને સો કિલો વજનો ઉપાડ્યાં શાનથી,
શાકની થેલી ઉપાડી ઘેર, ને કમ્મર ખસી.

૮૯૧૫.
તું મળી ત્યારે ઘડીમાં વર્ષ જેવું વીતિયું,
તું ગયાથી હર ઘડી પણ વર્ષ જેવી થઈ પડી.

૮૯૧૬.
આ નગરમાં સૌ અજાણ્યા, એક પીપળ ઓળખે,
રોજ હું એને નમું, ને એ ય મુજને ડોલતું.

૮૯૧૭.
વૃક્ષ જેવો બાપ, છાંયો સર્વને દેતો ગયો,
તાપમાં ઊભો સદા, પણ ના કદી બોલ્યો કશું.

૮૯૧૮.
બાળકે પાટી ઉપર ઘર દોરિયું, મા પણ ખરી,
સૂર્ય દોર્યો, વાદળો પણ, બાપને ભૂલી ગયું.

૮૯૧૯.
કોરટે તારીખ પડતી, ને પડે છે ભાઈ પણ,
ફેંસલો જ્યારે થયો, ત્યાં ખેતરે બાવળ હતા.

૮૯૨૦.
રાતના અંધારમાં જ્યાં દીવડો ઝળહળ થયો,
સૌ પતંગા દોડતા, ને પ્રેમ પણ એવો જ છે.

૮૯૨૧.
એક પીંછું મોરનું મેં પુસ્તકે મૂક્યું હતું,
વર્ષ વીત્યાં, પાન પીળાં, તોય પીંછું તરબતર.

૮૯૨૨.
ઝાંઝવાં પાછળ ઘણું ભટકી ગયો, ત્યારે થયું,
પ્યાસ સાચી હોય, તો ખારું ય પાણી મધ બને.

૮૯૨૩.
શ્વાસ લેવા જેટલી પણ ફુરસદો ક્યાં છે હવે?
જિંદગી ચાલે હવે બસ લોનના હપ્તા ભરી.

૮૯૨૪.
હું તને ભૂલી ગયો છું, એ કહી દીધા પછી,
રોજ સાંજે બાંકડે એ બેસવાનું પણ ગમે.

૮૯૨૫.
આ ‘પરાગે’ ફૂલ પાસે એટલું માગ્યું હતું,
છે મને ખરવું ય તારી જેમ બસ સૌંદર્યથી.

૮૯૨૬.
શબ્દ મારા છેતરે જો, માફ કરજે તું મને,
મૌન મારું સાંભળી લે, એ કદી ખોટું નથી.

૮૯૨૭.
ઝૂંપડીમાં દીવડો ને મ્હેલમાં ઝુમ્મર હતાં,
બેઉ સરખા અંધકારે, બેઉની ઇચ્છા સમાન.

૮૯૨૮.
માણસો માટે વિમાનો, ટ્રેન, ગાડી સૌ થયાં,
માણસો લગ જાય એવી એક પણ કેડી નથી.

૮૯૨૯.
દીકરાએ ફોન પર પૂછ્યું ‘મજામાં?’ ટૂંકમાં,
મા કહે ‘હા’, ને છુપાવે આંસુ પાલવમાં જરા.

૮૯૩૦.
ફ્લેટની બારી ઉપર ચકલી રચે માળો જરા,
એમ લાગ્યું, ગામ થોડું શોધતું આવ્યું મને.

૮૯૩૧.
રંગ સઘળા ઓગળીને શ્વેત થઈ જાતા, છતાં
સૌ કહે છે: ‘સાવ કોરો,’ કેટલું અજ્ઞાન છે!

૮૯૩૨.
ખાટલે બેઠા વડીલો વાત જૂની માંડતા,
સાંભળી ખીંટી ય જાણે હાથ ફેલાવી રહી.

૮૯૩૩.
રોગ મારો જાણવા દાક્તર ઘણા આવ્યા, પરંતુ
એક ચિઠ્ઠી તેં લખી, ને નાડ ધબકી ત્યાં ફરી.

૮૯૩૪.
પાનખરમાં પાન સૌ ખરતાં હતાં, પણ એક પાન
ડાળ ઝાલી બસ હતું, કે એકલું ના ઝાડ થાય.

૮૯૩૫.
આ ‘પરાગે’ જિંદગીનો મર્મ પામ્યો આટલો,
ફૂલ થઈને ખીલવું, ને મ્હેક થઈને ચાલવું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખજ્યાં જોઉં ત્યાંઆગલો લેખ →છૂટા શેર ૮૯૩૬–૮૯૭૫