← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૨૬૬–૬૨૯૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૨૬૬.
હતી મા, હતો ગોળનો એક ટુકડો,
હવે ફ્રીજ છે, ને ઉદાસી રસોડે.

૬૨૬૭.
નદી પાર જઈ પણ ન છીપી તરસ, ને
કિનારે જ બેઠી હતી પ્યાસ મારી.

૬૨૬૮.
તમે ઘર બનાવ્યું, અમે ઝૂંપડી પણ,
ફરક એટલો, કે અમારે ય બારી.

૬૨૬૯.
પરાગે ન રાખ્યો કદી ગર્વ ખુદનો,
હવાએ ઉપાડી, જગતભર ફરી એ.

૬૨૭૦.
નથી બારણું કે નથી કોઈ તાળું,
છતાં જાતમાં કેદ છું હું સદાનો.

૬૨૭૧.
કબર પર ગુલાબો સજાવ્યાં બધાંએ,
હતા જીવતા ત્યાં ન પાણી પિવાડ્યું.

૬૨૭૨.
કદી ભીડમાં હું ય ખોવાઈ જાતો,
કદી ભીડ ખોવાઈ જાતી હૃદયમાં.

૬૨૭૩.
અહીં ફૂલ છે, પગ જરા સાચવીને,
ખરી પાંખડીઓ ય પગલાં ગણે છે.

૬૨૭૪.
દિવાળી ગયે સૌ સગાં ઘર ગયાં ને
હવે છે ધુમાડો, રસોડું ય સૂનું.

૬૨૭૫.
પિતાએ કદી ‘પ્રેમ’ બોલ્યા નથી, પણ
ઘસાયેલ ખભ્ભા કહે છે બધું એ.

૬૨૭૬.
ઉદાસી અમારી પુરાણી સખી છે,
ન પૂછે, ન બોલે, સદા સાથ બેસે.

૬૨૭૭.
નગરમાં બધું છે, ફકત આભ ઓછું,
ગણું તારલા તો ય બે-ચાર મળતા.

૬૨૭૮.
સમય ચોર છે, લઈ જતો સૌ ઉઠાવી,
ઘડી બે ઘડી જે બચી, એ જ મારી.

૬૨૭૯.
કરું રોજ ડાયટ, રહું રોજ ભૂખ્યો,
સપનમાં સમોસાં, જલેબી નચે છે.

૬૨૮૦.
નવા વાયદાના નવા પોટલાં લઈ,
ફરી આવિયા એ જ જૂના જ નેતા.

૬૨૮૧.
હતી દીકરી તો હતું ઘર ય હસતું,
જતાં સાસરે, આંગણું પણ ઉદાસી.

૬૨૮૨.
ભલે શ્હેરમાં છું, ગલી ગામની છે,
હજી પગ મહીં ધૂળ એની ઘણી છે.

૬૨૮૩.
કદંબે હજી વાંસળી છે લટકતી,
હજી રાધિકા વાટ જોતી કિનારે.

૬૨૮૪.
પરાગે લખી જે ગઝલ, એ પવનની,
અમે તો ફકત ઝીલવાના હતા એ.

૬૨૮૫.
ગયો કૂપ કાંઠે ભરી પ્યાસ લઈને,
હતો ત્યાં ઘડો, પણ જરી દોર તૂટી.

૬૨૮૬.
નમે છે બધા ઊગતા સૂર્યને તો,
ઢળે સાંજ, તો છાંયડો પણ ન ઊભો.

૬૨૮૭.
ભલે આભ કાળું, ભલે મેઘ ગાજે,
હૃદયમાં હજી એક તારો ઝગે છે.

૬૨૮૮.
મળે સૌ સગાં, ને જુએ ફોનમાં સૌ,
હવે ‘હાય’ પણ મોકલે સ્ટીકરોમાં.

૬૨૮૯.
ગરીબી હતી, તો ય હસતાં હતાં સૌ,
હવે ઘર ભરેલું, છતાં સૌ ઉદાસી.

૬૨૯૦.
અધૂરી રહી વાત, ને રાત વીતી,
સવારે ફરી ચા, ફરી એ જ મૌનો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખકાગળ ઉપરઆગલો લેખ →છૂટા શેર ૬૨૯૧–૬૩૧૫