← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૦૩૨–૬૦૪૮

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૦૩૨.
મા તો હસી ઊભી રહી, દીધી વિદાયે દીકરી,
ગાડી જતાં, ચૂલા કને બેસી, ધુમાડે રોઈ એ.

૬૦૩૩.
શ્રીમંતનાં ઘર ઝળહળે, દીવા ઘણા ને રોશની,
ને ઝૂંપડે દીવો બળે માની નજર જેવો સદા.

૬૦૩૪.
આવ્યા ઘણા ભમરા અહીં, ચૂસી ગયા મધ ફૂલનું,
હાથે ન આવ્યું કોઈને, ઊડી ગયો એ તો પરાગ.

૬૦૩૫.
નેતા હતા જે ગામમાં, જોડી ગયા’તા હાથ સૌ,
જીત્યા પછી એ ગામનો રસ્તો જ એ ભૂલી ગયા.

૬૦૩૬.
વરસાદમાં ભીંજાઈને, ગાતાં હતાં બંને જણાં,
છત્રી હવે બે છે અલગ, ને ભીંજવું ભૂલી ગયાં.

૬૦૩૭.
મારા પિતાના હાથમાં ફાટેલ ખિસ્સું, ને છતાં
મારા જ દફતરમાં સદા પૂરી ભરેલી પેંસિલો.

૬૦૩૮.
ફૂલો ખરે, ડાળી નમે, ને પાનખર ઘેરી વળે,
ત્યારે ય મ્હેકે છે જુઓ, બાગે ભમે મારો પરાગ.

૬૦૩૯.
ઊંચે ગયો હું એટલો, ભૂલી ગયો નીચે બધું,
જેના ખભે જોયો હતો મેળો, વિસાર્યો બાપ એ.

૬૦૪૦.
સાહેબને મળવા ગયો, ‘મીટિંગમાં છે’ સાંભળી,
વર્ષો પછી મીટિંગ થઈ, ને કામ તો ના થ્યું જરી.

૬૦૪૧.
તારી ગલીમાં રોજ હું આંટા ઘણા મારી ગયો,
બારી ન ખૂલી એક પણ, ને આયખું વીતી ગયું.

૬૦૪૨.
ગાયા પરાગે શેર જે, તાળી મળી થોડી ઘણી,
સાચી ખરી તો દાદ દીધી આંખના બે આંસુએ.

૬૦૪૩.
ચકલી હવે ના આવતી, ફળિયું નથી, ના ઝાડ છે,
ટાવર થયા, ને તાર પર બેઠું કબૂતર એકલું.

૬૦૪૪.
સંબંધનો દીવો હતો, ખૂટી ગયું ધીમે દિવેલ,
ના કોઈએ ફૂંક્યો, છતાં એ ઓલવાયો ચૂપચાપ.

૬૦૪૫.
મોંઘું થયું પેટ્રોલ ને, ચાલ્યા અમે તો પગ પગે,
સાહેબનું ઘટ્યું વજન, ને ડૉક્ટરો રોતા ફરે.

૬૦૪૬.
માટી મહીં વાવ્યાં હતાં, દાદા તણા આંબા ઘણા,
ખાતા અમે કેરી હવે, જોયા ન'તા દાદા કદી.

૬૦૪૭.
ના રાજ્ય છે, ના તાજ છે, ના કોઈ પણ દરબાર છે,
શબ્દો ભરી ઝોળી ખભે, ફરતો રહે આ તો પરાગ.

૬૦૪૮.
આકાશમાં ચમકે સિતારા, ભોંય પર દીવા બળે,
માણસ વચે અંધાર છે, એ કોણ અજવાળે હવે?

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૬૦૦૦–૬૦૩૧આગલો લેખ →છૂટા શેર ૬૦૪૯–૬૦૬૫