← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૫૫૬૭–૫૬૦૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૫૫૬૭.
રાતભર વાંચ્યું ઘણું, ને પેપરે ખાલી બધું,
પ્રશ્ન જે આવ્યા, બધા મેં સાવ છોડેલા હતા.

૫૫૬૮.
આખરી ઓવર હતી, ને જીતવા બાકી છ રન,
ત્યાં જ માની બૂમ આવી: ‘ચાલ, જમવા બેસ, ભાઈ.’

૫૫૬૯.
જાન ડીજે સાથ નાચી, કાન ફાટ્યા સૌ તણા,
ને પછી ખૂણે રડે છે વાંસળી સૂની પડી.

૫૫૭૦.
દેશ સેવા કાજ નેતા દોડતા દેખાય, ને
દોડ પૂરી થાય ત્યારે, એ વિદેશે હોય છે.

૫૫૭૧.
સૂર્ય ડૂબ્યો, ને બધાએ પીઠ દીધી એ ભણી,
ફોન ઊંચા, સાંજ ઝીલી, આંખમાં તો કૈં નથી.

૫૫૭૨.
ચાંદ આખી રાત જાગ્યો, કોઈ બારી બંધ છે,
ને પરોઢે એ ય થાકી, ઓગળી ઝાંખો થયો.

૫૫૭૩.
આ સમંદર કેટલો ખારો, છતાં મોતી ધરે,
આંસુઓ પણ જો સહો, તો રત્ન થઈ પાછા ફરે.

૫૫૭૪.
રાજ છોડ્યું, મ્હેલ છોડ્યો, પગ ઉઘાડે નીકળી,
શ્યામ પાછળ એક મીરાં, એક પાછળ સૌ જગત.

૫૫૭૫.
મંદિરોમાં ભીડ ભારે, ને ખુદાને ઘર ઘણાં,
તોય એ તો રોજ મળતો ઝૂંપડીના આંગણે.

૫૫૭૬.
ચાર કાંધે ચાલતો, ને ગામ આખું સાથમાં,
જીવતો’તો ત્યાં લગી તો એકલો બેઠો હતો.

૫૫૭૭.
ગામ કેરું પાદરું, ને પાદરે વડલો હતો,
આ પરાગે દેશ છોડ્યો, રાહ એ જોતો હજી.

૫૫૭૮.
પ્રેમપત્રો રોજ લખતો, ને ટપાલે નાખતો,
છેવટે એણે ટપાલીને જ વરમાળા ધરી.

૫૫૭૯.
આખરી વેળા તમે બોલ્યાં હતાં જે ‘આવજો’,
આજ પણ એ શબ્દ ઝાલી ઉંબરે બેસું હજી.

૫૫૮૦.
સાડલો જે બા તણો, એ ગોદડીમાં જીવતો,
ઓઢતાં તો બા જ જાણે બાથ ભરતી હોય છે.

૫૫૮૧.
ગામ આખું કાદવે લથબથ થયું ચોમાસમાં,
ને પ્રધાનો આભમાંથી જોઈ ગ્યા, ઊડી ગયા.

૫૫૮૨.
બાળકો ભૂલી ગયાં છે આંબલી ને આંબલો,
ફોનમાં ખેતર ઉગાડે, ફોનમાં ગાયો ચરે.

૫૫૮૩.
ઝૂંપડીમાં મેઘ વરસે, બા ન ઊંઘે રાતભર,
છત નહીં, એ પાલવે ઢાંકે સુતાં સૌ બાળને.

૫૫૮૪.
રેડિયો પર રોજ સાંજે ગીત જૂનાં વાગતાં,
ને પછી દાદા ય ધીમે ગણગણી ઊંઘી જતા.

૫૫૮૫.
ભાઈ સાથે ભાગ પાડ્યા, ખેતરે ખેંચી લકીર,
ને પછી વરસાદ બંને ખેતરે સરખો હતો.

૫૫૮૬.
મેં ગઝલ વાંચી, સભાએ ‘વાહ’ ત્રણ વેળા કરી,
અર્થ પૂછ્યો તો બધાએ બારણું ખોલ્યું, ગયા.

૫૫૮૭.
આંખમાં તું, શ્વાસમાં તું, ને હૃદયમાં તું જ તું,
તોય તું પૂછે, ‘કદી હું યાદ આવું છું તને?’

૫૫૮૮.
જે ગલીએ રોજ મળતાં, એ ગલી બદલાઈ ગઈ,
ને હવે ત્યાં મૉલ ઊભો, ક્યાંય ના તારી છબી.

૫૫૮૯.
વાળ ધોળા થઈ ગયા ને આંખ પણ ઝાંખી પડી,
તોય તારી એક ઝલકે આંખમાં ફાગણ હસે.

૫૫૯૦.
ભીખ માગે ત્યાંય સ્કૅનર લઈ ફરે ચોરે બધે,
એ બહાનું પણ ગયું, ‘છુટ્ટા નથી’, ભૈ, શું કરું?

૫૫૯૧.
હું ગયો દરગાહ પર, ને ચાદરો ચડતી હતી,
બ્હાર ઠંડીમાં ભિખારી ધ્રૂજતો આખી નિશા.

૫૫૯૨.
એક છત્રી ને અમે બે, ને પછી વરસાદ ધોધ,
બેઉ અડધાં ભીંજવાયાં, ને છતાં કોરું ન મન.

૫૫૯૩.
ડૉલરોમાં ઘર ખરીદ્યું, ને ખરીદી કાર પણ,
ગામનો એ ઓટલો તો ક્યાંય વેચાતો નથી.

૫૫૯૪.
ચાકડો ફરતો રહે ને માટલાં ઘડતો રહે,
કોઈ ઘડતું આપણે પણ, કોઈ બીજી ચાકડે.

૫૫૯૫.
દીપ સળગે ને પતંગાં ઓગળે એની કને,
પ્રેમ નામે આગ, એમાં જે બળે, એ જીવતું.

૫૫૯૬.
આ પરાગે ગંધ દીધી, ને ભ્રમર લૂંટી ગયો,
ફૂલ બોલ્યું, ‘જે લુટાયો, એ જ સાચો શેઠ છે.’

૫૫૯૭.
ના પરાગે બાગ માગ્યો, ના કદી માગી બહાર,
એક ઝીણી ડાળ પર બેસી, બધું પામી ગયો.

૫૫૯૮.
લોક પૂછે: ‘શું કમાયો?’ તો પરાગે ભાખિયું:
‘ગામ આખું મ્હેકતું, ખિસ્સું ભલે ખાલી રહે.’

૫૫૯૯.
માળના મણકા ગણું, ને મન ગણે છે નોટ સૌ,
આ ભજન છે કે હિસાબો? કોણ સમજાવે, પરાગ?

૫૬૦૦.
ચાંદને મામા કહીને બા જમાડે કોળિયો,
હું ય મોટો થઈ ગયો, ને ચાંદ પણ નાનો થયો.

૫૬૦૧.
એક નાનું કોડિયું ને તેલ પણ થોડુંક બસ,
તોય એ જીત્યું અમાસી રાત સામે ઝૂંપડે.

૫૬૦૨.
બીજ દાટ્યું ધૂળમાં, ને સૌ કહે, ‘ખોવાઈ ગ્યું’,
એક વરસાદે જ ફૂટી, ડાળ થઈ ઝૂલ્યા કરે.

૫૬૦૩.
ઘર વહેંચ્યું ને વહેંચ્યાં ખેતરો સૌ ભાઈએ,
મા જ ક્યાંયે ભાગમાં આવી નહીં કો’ના ઘરે.

૫૬૦૪.
બૉસ બોલ્યા, ‘આવજો કાલે ય, બાકી કામ છે’,
કાલ પણ? તો છોકરાં ‘અંકલ’ કહેશે બાપને!

૫૬૦૫.
વાવતા’તા આંબલો, ‘ફળ કોણ ખાશે?’ સૌ કહે,
આજ પૌત્રો એ જ ડાળે ઝૂલતા, ફળ ચાખતા.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૫૫૨૬–૫૫૬૬આગલો લેખ →છૂટા શેર ૫૬૦૬–૫૬૩૫