← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૫૨૪૬–૫૨૫૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૫૨૪૬.
માની પથારી પાસ બેઠો, રાતભર જાગ્યો હતો,
નાનો હતો ત્યારે મને, એણે ય જાગી રાત સૌ.

૫૨૪૭.
ખેડૂ તણાં સપનાં બધાં વરસાદની રાહે ખડાં,
આકાશ પણ કોરું, અને આંખો ય કોરી, શું કરે?

૫૨૪૮.
ઝાકળ ગયું, ભમરો ગયો, ને પાંદડાં ખરતાં ગયાં,
તોયે પરાગે ના તજી મ્હેકી જવાની ટેવ આ.

૫૨૪૯.
નેતા કહે છે મંચથી: ‘સાદાઈ રાખો જીવને’,
ને સાંજ એની વીતતી પચ્ચીસ ‘એસી’ કારમાં.

૫૨૫૦.
તારા વિના સૂની ગલી, સૂનો ઝરૂખો, સાંજ પણ,
તું આવ, તો ખીલે બધું, ઝાકળ ચડે, ગાતું ગગન.

૫૨૫૧.
પપ્પા ગયા, ને ઘર ધરીને આજ હું ઊભો થયો,
ત્યારે જ સમજાયું, હતા એ કેટલા ઊંચા પહાડ.

૫૨૫૨.
આખો જનમ વેર્યો પરાગે, બસ હવામાં, પ્રેમથી,
ના નામ જાણે કોઈ, પણ મ્હેકે બધાં આંગણ હજી.

૫૨૫૩.
ઢોલક ઢબૂક્યાં, ને બજી શરણાઈ, ગરબા ગૂંજિયા,
ને દીકરીનાં ડૂસકાં ઢોલક મહીં સંતાઈ ગ્યાં.

૫૨૫૪.
આજે નથી, કાલે નથી, ક્યારેય પણ મળતી નથી,
એ ‘ફુરસદો’નું ઘર કહો, ત્યાં જઈ જરા બેસી શકું.

૫૨૫૫.
તું દ્વારકાનો રાજવી, ને રાજ સઘળાં ઝળહળે,
ગોકુળ હજી રોતું, અને રાધા હજી પણ ઝૂરતી.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૫૨૧૬–૫૨૪૫આગલો લેખ →છૂટા શેર ૫૨૫૬–૫૨૬૫