છૂટા શેર ૪૫૯૧–૪૬૨૫
૪૫૯૧.
પિતાજી ગયા, ને ગયો એક છાંયો,
હવે તાપ સીધો જ માથે પડે છે.
૪૫૯૨.
નિશાળે જતાં, જે ગલીમાં રમાતું,
હવે ત્યાં ઠસોઠસ ખડી છે કતારો.
૪૫૯૩.
તમારી હથેળી હતી ઓસ જેવી,
ઘડીમાં જ સ્પર્શે, હવામાં ભળી ગઈ.
૪૫૯૪.
વહી ગઈ નદી, રેત બાકી બચી છે,
અને રેતમાં છે નદીનાં નિશાનો.
૪૫૯૫.
કદી આંખ મીંચી, કદી દ્વાર વાસ્યાં,
છતાં યાદ તારી ઘરે આવતી, લે!
૪૫૯૬.
પરાગે ભલે ને ઘણાં ગીત ગાયાં,
છતાં એક ગાવું રહી ગ્યું અધૂરું.
૪૫૯૭.
હજારો હતા મિત્ર જલસા સુધી તો,
ચિતા પાસ જોયું, હતા ચાર કેવળ.
૪૫૯૮.
ઉઘાડી ગઝલની કિતાબો ઘણીયે,
જવાબો હતા બા તણી આંખ માંહે.
૪૫૯૯.
અમારી ગલીમાં નવી બૅન્ક ખૂલી,
હવે ત્યાં ઉદાસી ઉધારે મળે છે.
૪૬૦૦.
નવી કાર લાવ્યો, નવું ઘર બનાવ્યું,
છતાં ઊંઘ ક્યાંથી ખરીદી શકું હું?
૪૬૦૧.
ઘડી ભીંત પરની ભલે બંધ થઈ ગઈ,
છતાં કાળ ચાલે, ગણો કે ગણો ના.
૪૬૦૨.
સવારે ઉતાવળ, બપોરે ઉચાટો,
અને રાત, ને ઊંઘની એક ગોળી.
૪૬૦૩.
પરાગે કહી કાનમાં વાત એને:
‘બજારે ન જાજે, ભલે મ્હેક ઓછી.’
૪૬૦૪.
કરી કૈં દુવાઓ, ધરી કૈં ચઢાવો,
ખુદા તોય બેઠો રહે મૌન સાધી.
૪૬૦૫.
ખડી ઉંબરે મા, નજર રાહ પર છે,
વિમાનો ઘણાં, પણ ન દેખાય બેટો.
૪૬૦૬.
ગરીબી ઉપર મંચ ગાજ્યા કરે છે,
અને ભોજ માટે બુફેની કતારો!
૪૬૦૭.
ગલીમાં હતો એક ઘાયલ મુસાફર,
હતા ફોન ઊંચા, હતા હાથ ખિસ્સે.
૪૬૦૮.
તમે ચાંદ માગ્યો, અમે આભ આપ્યું,
તમે આભ માગ્યું, અમે આંખ આપી.
૪૬૦૯.
ઝરૂખે હતી એ, હતો હું ય નીચે,
વચે ઝૂલતા, બેઉના બસ નિસાસા.
૪૬૧૦.
નથી કોઈ ઈચ્છા, નથી કોઈ આશા,
હવે હું ય ઝાકળ સમો થઈ ગયો છું.
૪૬૧૧.
નિરાંતે બધાં ઊંઘતાં હોય ત્યારે,
જગે ચાંદ, ને ખેડુ, ને ચોકિયાતો.
૪૬૧૨.
છુપાવ્યું તમે નામ મેંદી મહીં જે,
હવે એ જ રેખા, બની ભાગ્ય મારું.
૪૬૧૩.
પરાગે હવામાં લખી છે કહાણી,
ભલે કોઈ વાંચે, ભલે ના ય વાંચે.
૪૬૧૪.
બધી રોટલી એ અમોને જમાડે,
‘નથી ભૂખ’ બોલે, ભલે પેટ ખાલી.
૪૬૧૫.
નવી ચૂંટણી, ને વચન સૌ પુરાણાં,
અને આ પ્રજા પણ ફરી છેતરાતી.
૪૬૧૬.
તમારી નજરનો હતો એક ઝોકો,
હવે શોધતો હું મને ક્યાંય પાછો.
૪૬૧૭.
પરાગે ગઝલમાં કહી વાત સઘળી,
છતાં સાર તો મૌનમાં છે છુપાયો.
૪૬૧૮.
અહીં બર્ફ, ને ત્યાં ઉનાળો ધગે છે,
ઘરે પણ પરાયો, અહીં પણ પરાયો.
૪૬૧૯.
તબીબે પરેજી કરાવી ઘણીયે,
છતાં રોજ લારી પરે ભેળ ખાઉં.
૪૬૨૦.
અમે બેઉ ઘરડાં, બધાં બાળ દૂરે,
હવે સાથ રોજે ગણીએ દવાઓ.
૪૬૨૧.
પરાગે ન ઘર છે, ન ઓળખ કશીયે,
હવા જે દિશા લઈ જશે, ત્યાં જ ઘર છે.
૪૬૨૨.
લખોટી, ભમરડા, ચકરડી, પતંગો,
હવે ફોન આખું ય બચપણ ગળી ગ્યો.
૪૬૨૩.
નદી, વાવ, કૂવા, તળાવો ગયાં સૌ,
હવે બાટલે બંધ પાણી ખરીદો.
૪૬૨૪.
નથી પથ્થરોમાં, નથી ગ્રંથમાં એ,
હસે બાળ ત્યાં, એ જ હાસ્યે વસે છે.
૪૬૨૫.
ઘણો ખર્ચ, ઝગમગ, ઘણી રોશનીઓ,
પછી વર્ષમાં તો કચેરી, વકીલો!
– પરાગ રતનપરા