← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૪૬૬–૩૫૦૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૪૬૬.
છાંયડો દેવા પિતાએ જાત આખી તાપમાં,
એટલે આજે ય મારા શીશ પર તડકો નથી.

૩૪૬૭.
હાર તસવીરે ચડાવ્યો, ત્યાં જ સમજાયું મને,
આજ જે ફૂલો ચડે, એ જીવતાં ક્યાં'તાં કદી?

૩૪૬૮.
ગામનો કૂવો હજી પણ સાંભરે છે રાતભર,
આ નળે પાણી ભરાતું, ક્યાં ભરાતું મન કદી?

૩૪૬૯.
ઓસરીમાં દીકરીનું ગીત ગુંજે છે હજી,
સાસરે છે, તો ય એની ઝાંઝરી ઘરમાં ઝણે.

૩૪૭૦.
સાંજ પડતાં સૂર્ય પણ નીચું જુએ છે શરમથી,
દિવસ આખો જોઈ લીધાં માણસોનાં નાટકો.

૩૪૭૧.
શબ્દને મેં રાતભર યાચ્યો, ભિખારી થઈ ઘણો,
ત્યાં સવારે બાળ બોલ્યું ‘મા’, ગઝલ પૂરી બની.

૩૪૭૨.
વર્ષભરની ફી ભરી જિમમાં, ગયો બે વાર બસ,
પેટ તો તેવું જ, હળવું થઈ ગયું ખિસ્સું, ભલા!

૩૪૭૩.
ભીડમાં હું એકલો છું, એકલામાં ભીડ છે,
આ નગરનો આદમી કેવો અજાયબ ચીજ છે!

૩૪૭૪.
વાદળો આવી ગયાં, પણ ખેતરે આવ્યાં નહીં,
ને પ્રધાનોના બગીચે રાતભર વરસી ગયાં.

૩૪૭૫.
આંખ ઝાંખી, કાન ધીમા, હાથ ધ્રૂજે છે હવે,
તો ય દાદીના સ્મરણમાં હોઠ મલકે છે હજી.

૩૪૭૬.
હું ખુદાને શોધવામાં તીર્થ-તીર્થે ઘૂમતો,
ઘેર આવ્યો, તો ખુદા બેઠા હતા મા-રૂપમાં.

૩૪૭૭.
બારણે ઊભી રહી એ, દાયકા વીતી ગયા,
તોરણો સૂકાં થયાં, ને આંખ ભીની એ જ છે.

૩૪૭૮.
ફૂલ તો મુરઝાઈ ગ્યું, પણ મ્હેક જીવે છે હજી,
દેહ જાશે, પણ રહેશે યાદમાં સૌની પરાગ.

૩૪૭૯.
એક રોટીના સવાલે બાળ રડતું રાતભર,
ચેનલો પર ચાલતી'તી ભૂખ પર ચર્ચા બધી.

૩૪૮૦.
સાચ બોલ્યો, તો બધા સંબંધ તૂટી ગ્યા સહજ,
જૂઠ પર ટકતી રહી આખી ઇમારત પ્રેમની.

૩૪૮૧.
ઝાડ કાપીને બનાવ્યો એક હાથો, ને પછી
એ જ હાથાએ કુહાડી સાથ કાપ્યું વન બધું.

૩૪૮૨.
હાથ માના છે ભલે બરછટ ઘણા, પણ એ જ હાથ
ફૂલથી હળવા બને, જ્યારે ફરે માથે મને.

૩૪૮૩.
રેતની ઘડિયાળ ઊંધી ફેરવી દો, શું વળે?
જે ખરી ગઈ એ ક્ષણો પાછી કદી ના આવશે.

૩૪૮૪.
પત્ર લખવા જ્યાં ધરી મેં પેન હાથે, શું લખું?
આંસુ આગળ થઈ ગયાં, શબ્દો બિચારા ચૂપ થ્યા.

૩૪૮૫.
ગામમાં ઓળખ હતી સૌ નામથી ને કામથી,
આ નગરમાં ઓળખું છું ફ્લૅટ નંબરથી હવે.

૩૪૮૬.
વાવણી કીધી ઉછીના બીજથી, એ ખેડુએ,
પાક આવ્યો, ને ભરી ગ્યો શેઠિયો ગાડાં બધાં.

૩૪૮૭.
તું નથી, તો ચાંદ પણ લાગે મને બળતો અહીં,
ને હવા પણ શૂળ જેવી ખૂંચતી'તી શ્વાસમાં.

૩૪૮૮.
ઑફિસે ધક્કા ઘણા ખાધા, સહી માટે, મિયાં,
ને સહી થઈ, ત્યાં સુધીમાં કામ ખુદ ભૂલી ગયો.

૩૪૮૯.
આભ નાનું થઈ ગયું છે, ફ્લૅટની બારી સમું,
ને પતંગોનું ગગન છે ફોનના પડદા મહીં.

૩૪૯૦.
ભીડ પાછળ ચાલતી, ને ચાર જણ ઊંચે ધરે,
તો ય જાવું એકલું, એ રાહ સાથી ના મળે.

૩૪૯૧.
મૌનની પણ એક ભાષા, આંખમાં એનો અરથ,
શબ્દકોશો લઈ ભણેલા સૌ ઉકેલી ના શકે.

૩૪૯૨.
આયનામાં રોજ જોઉં, વાળ ઓછા થાય છે,
ને સભામાં હું કહું છું: મોહ-માયા છોડજો.

૩૪૯૩.
સાગરે ભળવા નદી ખળખળ વહી આખી સફર,
ત્યાં મળી, તો ખોઈ બેઠી એ મધુરતા જાતની.

૩૪૯૪.
કોડિયું નાનું હતું, ને તેલ પણ થોડું હતું,
તો ય એ તો રાત આખી સૂર્યનું વ્રત પાળતું.

૩૪૯૫.
ના કરી મેં કોઈ દી પણ મ્હેકની જાહેરખબર,
તો ય ભમરા શોધતા આવી ગયા, એ છે પરાગ.

૩૪૯૬.
ધૂંધળી આંખે ય માએ રોટલી ગોળી કરી,
એટલે દુનિયા ય લાગે ગોળ એની આંખમાં.

૩૪૯૭.
મિત્ર એવો, કે ખભો દઈને રડાવી દે મને,
ને પછી ચા પાઈને પૂછે નહીં કે શું થયું.

૩૪૯૮.
હાથમાં પદવી ઘણી, પણ નોકરી માટે હવે
ઓળખાણો જોઈએ, કાં નોટનાં બંડલ જરા.

૩૪૯૯.
નોરતાંની રાત, ગરબો, ઢોલ, ને દીવા હજાર,
ને વિદેશે ફ્લૅટમાં યૂટ્યૂબ પર ગરબા જુએ.

૩૫૦૦.
આંગણે ચકલી નથી, ને છાપરે ના કાગડો,
કોણ ભાખે, કોણ આવે છે ઘરે મળવા હવે?

૩૫૦૧.
હું જ સાચો, હું જ મોટો, હું જ સૌથી શ્રેષ્ઠ છું,
એ જ ‘હું’નો બોજ લઈને નાવ મારી ડૂબતી.

૩૫૦૨.
હોઠ પર મલકાટ રાખી હું ફરું છું રાતદિન,
એક તકિયો રાતભર ભીંજાય, એ જાણે ખુદા.

૩૫૦૩.
જે ઇમારત આભને અડકી, ચણી'તી જેમણે,
એ જ લોકો ફૂટપાથે આભ નીચે ઊંઘતા.

૩૫૦૪.
આપણી વાતો લખેલી, એ બધી મેં સાચવી,
કાગળો જૂના થયા, પણ અક્ષરો ભીના હજી.

૩૫૦૫.
ડાયરીમાં ફૂલ સૂકું, રંગ પણ ઊડી ગયો,
તો ય ખોલું ત્યાં જ આવે મ્હેક, એ છે તો પરાગ.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખભીતરઆગલો લેખ →છૂટા શેર ૩૫૦૬–૩૫૪૫