← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૨૫૬–૨૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૨૫૬.
દાન જમણો હાથ દે, ડાબો ન જાણે, એ જ ધર્મ,
નામ તકતી પર લખાવે, એ બધો દેખાડ છે.

૨૫૭.
આથમે સૂરજ, છતાં ક્યાં એ મરે છે, દોસ્ત, બોલ?
એ જ પળ બીજા કિનારે બાળકો જાગે, સખા.

૨૫૮.
આ પરાગે જાતને વેરી સહજ ચારે દિશે,
એ પછી જાણ્યું, ‘અહં’ ખોવો જ સાચું મ્હેકવું.

૨૫૯.
ચિત્રમાં બાળક તણા સૂરજ હસે, ઘર, ઝાડ છે,
આપણે મોટા થયા, ને ચિત્રમાંથી સૂર્ય ગુમ.

૨૬૦.
ડાળ પર ઝૂલો કરી, મા ઈંટ લઈ ઊંચે ચડી,
બાળ ઝૂલે ત્યાં તળે, ને મા ઘડે છે મ્હેલને.

૨૬૧.
આખરી રોટી સદા માના જ ભાગે આવતી,
એ ય ઠંડી, ને બળેલી, તોય મા હસતી રહે.

૨૬૨.
મંચ પરથી ‘દૂર કરશું આ ગરીબી’ ગર્જના,
ને ગરીબો તંબુ તાણી, ત્યાં જ ખુરશીઓ ગણે.

૨૬૩.
રોજ ‘સ્ટેટસ’ પર ગુલાબો, ને ઘરે ઝઘડા સતત,
જગ કહે છે: ‘કેટલું સુખ!’, એ જ સુખનો ડોળ છે.

૨૬૪.
આ પરાગે અંત ટાણે એટલું માગ્યું ખુદા:
ફૂલ ખીલે ક્યાંય પણ, ત્યાં મ્હેક મારી વેરજે.

૨૬૫.
શબ્દ મારા, અર્થ સઘળા આપના છે, ઓ સખા,
જે ગઝલ જેવી તમે વાંચો, ગઝલ એવી બને.

– પરાગ રતનપરા

---

કવિ: પરાગ રતનપરા · તખલ્લુસ: ‘પરાગ’
કાવ્ય ક્રમ ૧૩૨–૨૩૧ · શેર ક્રમ ૨૬૬–૪૬૫

શેર
← પહેલો લેખછૂટા શેર ૨૪૧–૨૫૫આગલો લેખ →ભીતરે