← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૮૬૬–૧૯૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૮૬૬.
ભલે ઊંચા મિનારા હો, ભલે મોંઘા મકાનો હો,
નથી જ્યાં મા, ભલા, એ ઘર નહીં, બસ ઈંટ-પથ્થર છે.

૧૮૬૭.
તરસ લઈને નદી પાસે ગયો, તો એ ય સૂકી’તી,
હવે મૃગજળ ભણી ચાલું, મળે ત્યાં એક ટીપું પણ.

૧૮૬૮.
કદી ઝૂલે હતી બા, ને અમે ખોળે હતાં એના,
હવે ઝૂલો હવાના હાથથી ઝૂલે, વિના બાના.

૧૮૬૯.
ગરીબી દૂર કરવાનું વચન દીધું હતું એણે,
ગરીબો દૂર થઈ ગ્યા, ને ગરીબી ત્યાં જ ઊભી છે.

૧૮૭૦.
સદા ફોને રહે ડૂબ્યો, ન જોતો આંખમાં કોની,
પિતા બોલ્યા: જરા જો તો, ઘરે પણ એક દુનિયા છે!

૧૮૭૧.
કદમની ડાળ પર બેસી, બજાવી વાંસળી જ્યારે,
નદીનાં નીર થંભ્યાં, ને સખી રાધા બની ઘેલી.

૧૮૭૨.
ધરા ફાટી, નજર ઊંચે, અને ખેડૂ ધરે ધીરજ,
વરસશે મેઘ તો ઘરમાં દિવાળી પણ થશે આ વેળ.

૧૮૭૩.
ઘડી ઘડિયાળમાં ટકટક, ઘટે છે આયખું ધીમે,
અમે ગણતા જ કાંટાઓ, ન જીવ્યા એક પળ પણ ત્યાં.

૧૮૭૪.
નગરમાં ફ્લેટ છે મોટો, અને બારી નથી ખુલ્લી,
હતું નાનું અમારું ઘર, છતાં આકાશ ઘરમાં’તું.

૧૮૭૫.
પરાગે ફૂલને છોડ્યું, હવામાં એ ભળી ચાલ્યો,
નથી એનું કશે ઘર, પણ બધાના શ્વાસમાં વસતો.

૧૮૭૬.
નથી ફુરસદ, નથી ટાઇમ, નથી કૈં વાત કરવાનું,
અને ફોને બધાનાં સો ગ્રુપો, ઝળહળ સતત લાઈન.

૧૮૭૭.
હતી ભીની ધરા, ને મ્હેક માટીની હતી આખી,
હવે આવે પ્રથમ છાંટો, ગટરની ગંધ ઊઠે છે.

૧૮૭૮.
અમે સાચું જ બોલ્યા, તો થયા નારાજ સૌ ભેગા,
અમે જૂઠું જ બોલ્યા, તો બધાએ દાદ દીધી ત્યાં.

૧૮૭૯.
કહે બેટો: તમે પપ્પા, ન સમજો આજની દુનિયા,
અને પપ્પા હસે છે, જે કદી ચાલ્યો હતો એ પથ.

૧૮૮૦.
તમે મંદિર મહીં શોધો, અને એ ઝૂંપડે બેઠો,
ગરીબોની નજરમાં એ, બની ઈશ્વર ઝળહળે છે.

૧૮૮૧.
મને ભૂલી જવાનું તેં, સખી, કીધું હતું ત્યારે,
હજી એ વાક્યમાં તારી બધી યાદો સજીવન છે.

૧૮૮૨.
ઘણા વરસે ગયો ગામે, નથી ત્યાં કોઈ ઓળખતું,
હતો જે લીમડો, એ પણ જરા ઝૂકી ગયો હેતે.

૧૮૮૩.
સમંદર પાર જઈ બેટે કમાયા ડોલરો લાખો,
અને મા ગામમાં વાટે ગણે છે આંગળીએ દિન.

૧૮૮૪.
હસીને ઝેર પીવાની કળા શીખી ગયા છીએ,
હવે તો અમૃત પણ લાગે અમોને સાવ ફિક્કું સૌ.

૧૮૮૫.
ઉઘાડા પગ, હતું ભૂખ્યું, ખભે ભારે હતું દફતર,
છતાં એ આંખમાં આખું ગગન જીતી જવા બેઠું.

૧૮૮૬.
ગઝલ લખવી સહેલી છે, રમત છે શબ્દની કેવળ,
કઠિન તો જીવવું એને, ઉતાર્યું જે કલમ વાટે.

૧૮૮૭.
નદી દરિયે મળી, ને નામ પોતાનું તજી દીધું,
ખરો સંગમ, મટી હું જ્યાં, બનું તું, એ જ સાચો છે.

૧૮૮૮.
પરાગે જે સુગંધી સાચવી’તી પાંદડે ભીને,
પવન એને ઉડાવી ગ્યો, મહેક્યું ગામ આખું ત્યાં.

૧૮૮૯.
કદી રૂઠે, કદી માને, કદી છલકે, કદી સૂકે,
અમારી મિત્રતા જાણે અષાઢી ધોધ જેવી છે.

૧૮૯૦.
ભલે ચશ્માં, ભલે ધોળા થયા વાળો, કમર ઝૂકી,
હજી પણ બાળપણ મારું ફરે છે ગામના પાદર.

૧૮૯૧.
ઉતારીને મુખોટાં સૌ, પછી જો આયનામાં તું,
તને તું જોઈ ના શકતો, જગતને શું સમજવાનો?

૧૮૯૨.
વતનની ધૂળ ચોંટી’તી, હજી ખંખેરવી બાકી,
ભલે બૂટો વિદેશી હો, ચરણ દેશી હજી મારા.

૧૮૯૩.
અમે ઈશ્વર ઘણો શોધ્યો, અમે તીરથ ફરી આવ્યા,
અમે પાછા ઘરે આવ્યા, હતી બા થાળ લઈ ઊભી.

૧૮૯૪.
ભલે વરસો ગયાં વીતી, હજી એ સાંજ સાંભરતી,
તમે છત્રી વિના આવ્યાં, અમે ભીંજાઈ ગ્યાં સાથે.

૧૮૯૫.
સભા બેઠી, ઘણી ચર્ચા, ઠરાવો પાસ થઈ ચાલ્યા,
અને ખાડો હતો જે ત્યાં, હજી એ ત્યાં જ સૂતો છે.

૧૮૯૬.
તમે આવ્યાં, હવા મ્હેકી, તમે ચાલ્યાં, હવા સૂની,
હવે શ્વાસો ય ખૂંચે છે, હવાનો ભાર લાગે છે.

૧૮૯૭.
હવે કાગળ નથી, નૌકા નથી, ખાબોચિયાં ક્યાં છે?
ભરાયાં છે ગટરનાં જળ, બધાં બાળક ઘરે કેદી.

૧૮૯૮.
ભલે બા ના ભણી’તી, પણ હૃદય વાંચી શકે સૌના,
કહું ના હું કશું, તોયે સમજતી એ બધું પળમાં.

૧૮૯૯.
ચડીને બાપના ખભ્ભે, અમે મેળો નિહાળ્યો’તો,
હવે એ બાપ ઝૂક્યા છે, અમે ટેકો બની ઊભા.

૧૯૦૦.
ન મીરાંએ કદી માગ્યું કનક, હીરા, ન સિંહાસન,
હતો તંબૂર હાથે, ને હતો ગિરધર હૃદય માંહે.

૧૯૦૧.
નનામી પર હસે છે એ, હવે ના કૈં ઉતાવળ છે,
સદા દોડ્યો હતો આખો જનમ, પાછળ ઘડીઓની.

૧૯૦૨.
પરાગે શબ્દમાં ઝીલી સવારે ઝાકળી ખુશ્બૂ,
બની એ ગીત, ને આખું હવે ગાતું ફરે ગામે.

૧૯૦૩.
ભલે ડોલર ઘણા મળતા, ભલે મોટી હતી ગાડી,
દિવાળીએ હૃદય ઝંખે, ફળીમાં ફૂટતા ટેટા.

૧૯૦૪.
અમે વડલો કપાવીને, બનાવ્યો મૉલ ત્યાં મોટો,
હવે છાંયો ખરીદીએ, અને પંખી છબીમાં છે.

૧૯૦૫.
હવે ઘૂંટણ કરે ચટચટ, હવે ચશ્માં સરે નાકે,
છતાં પૌત્રી કહે દાદા, બનો ઘોડો, બનું છું હું.

૧૯૦૬.
તમે હાથે રચી મ્હેંદી, છુપાવ્યું નામ મારું ત્યાં,
જનમભર શોધતો આવ્યો, હથેળીમાં હજી છું હું.

૧૯૦૭.
હતો ઉપવાસ, ઘરવાળી ફરાળે સાત વાનાં લે,
મને તો ચા ય ના મળતી, નથી મારે કશું વ્રત, ને!

૧૯૦૮.
હતો ચોરો, હતા દાદા, હતો હુક્કો, હતી વાતો,
હવે ચોરો ઉદાસી છે, હવે દાદા છબી બન્યા.

૧૯૦૯.
તને ગંગા મહીં શોધ્યો, તને કાશી મહીં શોધ્યો,
નયન મીંચ્યાં તરત દીઠો, હતો તું તો હૃદય માંહે.

૧૯૧૦.
પરાગે જિંદગી આખી હવાના નામ પર મૂકી,
હવે ખુશ્બૂ બનીને એ બધે ફરતો ફકીરીમાં.

૧૯૧૧.
સદા સાચું જ બોલ્યો, ને ગુમાવ્યા દોસ્ત સૌ મેં તો,
હવે એકાંત છે સાથી, સદા સાચું જ મારું ઘર.

૧૯૧૨.
દિવાળીએ ઝગે દીવા, ઝગે તોરણ ઘરે ઘરમાં,
ગરીબોની ગલીમાં પણ જરા અજવાસ મોકલજો.

૧૯૧૩.
નગરમાં મેઘ આવ્યો ને બધી સડકો બની દરિયો,
અમારા મેયરે કીધું: તરણકુંડો મફત દીધા!

૧૯૧૪.
બરફની રાતમાં જાગે, અડગ સીમા ઉપર સૈનિક,
અમારાં બાળકો સૂતાં નિરાંતે, એ જ કારણ છે.

૧૯૧૫.
નિશાળે એક માસ્તર’તા, હતાં ચશ્માં, હતી સોટી,
અમારું ભાગ્ય ઘડનારી, હતી એ ધ્રૂજતી સોટી.

૧૯૧૬.
પ્રથમ વરસાદમાં તેં જ્યાં ઉઘાડે પગ જરા દોડી,
હજી એ ધૂળની ખુશ્બૂ, હજી એ ચીકણી માટી.

૧૯૧૭.
ગયા દાદા, તરત પૌત્રે બનાવી રીલ દાદાની,
હજારોએ નિહાળી, પણ કશે ના ખાંધિયો આવ્યો.

૧૯૧૮.
કુહાડી હાથમાં લઈ તું, છતાં છાંયો ધરું તુજને,
બળીને તાપણે પણ હું, તને આપીશ હૂંફાળું.

૧૯૧૯.
પરાગે ના કશું માગ્યું, ન ઘર, ના નામ, ના તકતી,
હવામાં મ્હેક થઈ ભળવું, હતી બસ એટલી ઇચ્છા.

૧૯૨૦.
ગરીબી એ જ કે બાળક રમકડું જોઈને અટકે,
પછી મા ગાંઠ છોડીને, ગણે સિક્કા, ઢળે આંખો.

૧૯૨૧.
અમે વરસો પછી ભેટ્યા, અમે બંને ઝરી ઊઠ્યા,
હજી એની કને છે એ, લખોટી બાળપણ કેરી.

૧૯૨૨.
નદી પર પુલ નવો બાંધ્યો, ઘણા ફોટા, ઘણી તાળી,
પ્રથમ વરસાદમાં પુલ ગ્યો, હજી ફોટા મઢેલા છે.

૧૯૨૩.
ભલે ભાષા વિદેશી હો, ઘણું ફાવે, ઘણું બોલું,
પડું ત્યાં તો સહજ મુખથી, હજી ઓ મા! સરે દેશી.

૧૯૨૪.
ગુલાલે ગાલ રાતા થ્યા, હતી એ લાજની લાલી,
ગયો ફાગણ, ગયા રંગો, હજી ગાલે રહી લાલી.

૧૯૨૫.
ગયો સાગર ખલાસી, ને કિનારે વાટ જોતી એ,
ઝરૂખે દીવડો રાખી, ગણે મોજાં બધી રાતે.

૧૯૨૬.
ભલે અંધાર ચોપાસે, ભલે ઝંઝા સતત વાયે,
હથેળીનો કરી ગોખો, જલાવો એક દીવો તો.

૧૯૨૭.
પરાગે બાગ છોડ્યો ત્યાં, ઉદાસી ફૂલને વળગી,
ભ્રમર પૂછે: કહો, એ ક્યાં ગયો મ્હેકાવનારો તે?

૧૯૨૮.
ઘણાં પકવાન ખાધાં મેં, ઘણી હોટલ જગતભરની,
નથી બા, ને નથી એનો ભરેલો વાડકો હેતે.

૧૯૨૯.
જટામાં ગંગ લઈને જે, હળાહળ પી ગયો હસતાં,
નમન એ નીલકંઠીને, જગતનું ઝેર જે જીર્યું.

૧૯૩૦.
તિરંગામાં લપેટીને, પરત આવ્યો વતન વ્હાલો,
હતી મા ગર્વથી ઊભી, અને આંખો હતી ભીની.

૧૯૩૧.
હવે ખેતર હસે લીલાં, અને ખેડૂ ગણે દાણા,
ગયા વરસે ધરા તરસી, હવે છલકાય છે ભંડાર.

૧૯૩૨.
ઘણું લખવું હતું તુજને, લખી ના એક પણ લીટી,
હતો કાગળ ભલે કોરો, હતી એમાં બધી વાતો.

૧૯૩૩.
અયોધ્યા ઝળહળી ઊઠી, પધાર્યા રામ ઘર પાછા,
હૃદયમાં રામ પ્રગટે તો, ઉજાળું થાય ઘટઘટમાં.

૧૯૩૪.
પરાગે મા લખી કાગળ, ગઝલ ભીની બની ગઈ ત્યાં,
હતો એ એક અક્ષર, પણ સમાયું વિશ્વ એમાં તો.

૧૯૩૫.
નગરના ચોકમાં ઊભા, બનીને પૂતળું, નેતા,
કબૂતર એમના માથે કરે છે રોજ અભિષેકો.

૧૯૩૬.
તમારા પત્ર બાળ્યા મેં, છતાં રાખે ય મ્હેકે છે,
હવા પણ પૂછતી ફરતી, કહો, કોની કથા બાળી?

૧૯૩૭.
પરાગે ધૂળને ચૂમી, અને કૂંપળ હસી ઊઠી,
નથી બાગો સજાવેલા, ધરાની ધૂળમાં જીવન.

૧૯૩૮.
નગરમાં કાર લીધી મેં, ઘણી હોંશે, ઘણા હપ્તે,
હવે જામે ફસાયો છું, પગે ચાલી ગયા દાદા.

૧૯૩૯.
તને દીઠી પહેલી વાર, ત્યાં થંભી ગયો આ શ્વાસ,
હજી એ પળ મહીં છું હું, ઘણાં વરસો વહી ચાલ્યાં.

૧૯૪૦.
હથોડો હાથમાં લઈને ચણે એ ટાવરો ઊંચા,
નથી એનું જ ઘર, રાતે ઉઘાડા આભ નીચે એ.

૧૯૪૧.
ઝુલાવી પારણું બા ગાય હાલરડાં મધુર ધીમે,
હજી એ સૂર ભીતરમાં મને ઊંઘાડતા રાતે.

૧૯૪૨.
પરાગે ઓસના ટીપે સજાવી ભોરની વેળા,
પછી સૂરજ લજાયો, ને થયો રાતો ઘણો ધીમે.

૧૯૪૩.
કિતાબો ઝંખતો બાળક ધુએ કપ રોજ લારી પર,
અને સામે નિશાળે ઘંટ વાગે છે, હસે બાળો.

૧૯૪૪.
ગરીબોના ઘરે ચાંદો બને છે રોટલો ભૂખે,
અમે એને ગઝલ લખતા, અને એ ભૂખ ભાંગે છે.

૧૯૪૫.
દુવામાં હાથ ઊંચા કર, પ્રથમ ભૂખ્યો જમાડી દે,
પછી ભગવાન આવીને ભરે ઝોળી તને હેતે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખહે કેશવાઆગલો લેખ →છૂટા શેર ૧૯૪૬–૨૦૦૦