← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૩૬–૧૭૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૩૬.
નદીને પ્રશ્ન કીધો મેં: ‘કિનારો ક્યાં, કહે તારો?’
હસી બોલી: ‘વહી જાવું, ન બીજો કો’ કિનારો છે.’

૧૩૭.
બળે છે વાટ, ને દીવો ગણાવે નામ પોતાનું,
જગતમાં એ જ રીતે ત્યાગ કો’નો, નામ કો’નું છે.

૧૩૮.
તને જોવા નથી પામ્યો, તને ભૂલી નથી શકતો,
અજબ છે પ્રેમની સાંકળ, ન તૂટે છે, ન બાંધે છે.

૧૩૯.
હતા બે, ને હજી બે છે, વચે વીત્યાં વરસ ચાળીસ,
હજી પણ હાથ ઝાલીને, સવારે બેઉ ચા પીએ.

૧૪૦.
પિતાનાં પુસ્તકો સૌએ વજનથી વેચિયાં રદ્દી,
ઘણે પાને હતાં એનાં લખાણો હાંસિયામાં ત્યાં.

૧૪૧.
ઉછેર્યાં બાળ, દીધી પાંખ, ને આકાશ પણ દીધું,
હવે સૂનો થયો માળો, અને બે જીવ ઘરડા છે.

૧૪૨.
ગલીમાં છોકરો ફુગ્ગા ભરી વેચે સવારેથી,
હવા એના જ શ્વાસોની, રમકડું એ ન પામે ખુદ.

૧૪૩.
ઝરણ મીઠાં ભળે દરિયે, છતાં દરિયો રહે ખારો,
ઘમંડી પણ સમુંદર શો, ગળે સૌ, તોય ના બદલે.

૧૪૪.
પડે વરસાદ, ને ખેડૂત નાચે, ઝૂંપડી રડતી,
કહો, ઈશ્વર ય સૌને એકસરખું સુખ કદી દે છે?

૧૪૫.
પરાગે શબ્દની ઝોળી ભરી’તી ગામથી ગામે,
ખરી જ્યાં મ્હેક, ત્યાં ઊગ્યાં ગઝલનાં ખેતરો લીલાં.

૧૪૬.
હજી મા ફોનમાં પૂછે: ‘સમયસર ખાય છે ને તું?’
ભલે માથે સફેદી છે, હજી હું બાળ એને મન.

૧૪૭.
તિરંગામાં લપેટેલો ઘરે આવ્યો, હતો જે લાલ,
નમી ના મા, હતી ગર્વે, છતાં ભીની હતી આંખો.

૧૪૮.
નગરમાં શોર એવો કે, હૃદયનો સાદ ના સુણ્યો,
ગયો જંગલ મહીં ત્યારે, ખરે, હું પણ ગઝલ ગાઉં.

૧૪૯.
નિશાળે માસ્તરે કીધું: ‘થતા બે, એક ને એકે’,
તને મળતાં જ સમજાયું, મળે બે, એક થઈ જાતાં.

૧૫૦.
ગરીબોને ધરી રોટી, પડાવી સો છબી ત્યાં તો,
ખબર છાપે છપાણી, ને ગરીબો ત્યાં જ ભૂખ્યા છે.

૧૫૧.
ગલી તારી હજી ત્યાં છે, હજી ઘર પણ અડીખમ છે,
નથી બસ એક તું ત્યાં, તો જગત આખું ય સૂનું છે.

૧૫૨.
મને પૂછે ઘણા સૌ: ‘ક્યાં રહે છે તું, ભલા, ક્યાં છે?’
પરાગે ઘર નથી બાંધ્યું, કળી જ્યાં ખીલતી, ત્યાં હું.

૧૫૩.
રમતની ઉમ્રમાં બાળક ધરે છે કીટલી ચાની,
સભા ‘બચપણ’ વિશે ચાલે, ભરે ચા એ જ બાળક ત્યાં.

૧૫૪.
ફટાકા ફૂટતા ઊંચે, ગરીબો દૂરથી જોતા,
ઉપાડી અધબળેલું એક ટોટું, બાળ હરખાયો.

૧૫૫.
મજૂરોના જ પરસેવે ઇમારત ઝગમગે ઊંચી,
છતાં તકતી ઉપર ઝળકે સદા એ શેઠનું નામ જ.

૧૫૬.
સપનમાં તું મળી, ને ઊંઘ લંબાવી ઘડી બે મેં,
સવારે સૂર્ય વેરી થઈ ગયો, બારી ઉઘાડી ત્યાં.

૧૫૭.
રડું છું હું ય વરસાદે, ભળી જાતાં નયન-જળ સૌ,
ગગન સાથે રડું, તો કો’ ન પૂછે ‘કેમ ભીનો તું?’

૧૫૮.
ખભે દફતર હતું, ખિસ્સે લખોટી બે હતી રંગીન,
હવે ખિસ્સાં ભરેલાં છે, ન એ ચમકાટ ક્યાંયે છે.

૧૫૯.
પરાગે આંસુઓને પણ ગઝલનું રૂપ આપ્યું છે,
નહીં તો દર્દને ક્યાં કોઈ ઘરમાં રાખવા દેતું?

૧૬૦.
દવાખાને ગયો, તો દાક્તરે કીધું: ‘હસો ઝાઝું’,
હસું તો લોક સમજે કે મગજ ખસકી ગયું છે, ભાઈ.

૧૬૧.
હતો કૂવો, હતી ગરગડ, હતાં ગીતો ઘડા સાથે,
હવે નળ પર ઝઘડતાં સૌ, સવારે ગામ ભેગું થઈ.

૧૬૨.
ગરીબી ઘર મહીં આવી, ગયા સગપણ બધા છોડી,
ન છોડ્યો સાથ જેણે, એ ગલીનો કૂતરો કાળો.

૧૬૩.
ગયા નેતા, ગયા પક્ષો, છતાં ખુરશી અડીખમ છે,
પ્રજાની પીઠ, નેતાની સવારી, એ જ ક્રમ ચાલે.

૧૬૪.
હતો સંબંધ શીશા શો, જરા ઠેસે થયો ટુકડા,
ફરી જોડ્યો, છતાં એમાં તિરાડો ત્યાં જ ચમકે છે.

૧૬૫.
હતી એ ગર્ભમાં, ત્યાં તો લખાયું મોત એ ઘરમાં,
પછી ‘બેટી બચાવો’નાં ઝળકતાં પોસ્ટરો ગામે.

૧૬૬.
ભલે ના નાવ પોતાની, ન પોતાનો કિનારો કોઈ,
દિવાદાંડી છતાં જાગે, ઉજાળે અન્ય નાવોને.

૧૬૭.
વસંતે કોયલે ગાયું, ખુશીથી સૌ થયા ઘેલા,
છતાં સેવ્યાં હતાં ઈંડાં બિચારી કાગડીએ, હોં.

૧૬૮.
પરાગે પાનખરમાં પણ ન છોડી મ્હેકની આદત,
ખરેલાં પાંદડાંમાં પણ ભરી દીધી સુગંધો મેં.

૧૬૯.
ભલે બોલું ઘણી ભાષા, ભલે પરદેશમાં વસતો,
પડે ઠોકર, હજી ‘ઓ મા!’ સરે હોઠે અનાયાસે.

૧૭૦.
ભલે આકાશ આખું છે, છતાં પંખી વળે માળે,
ફરો આખું જગત, તો યે ઘરે પાછા વળો સાંજે.

૧૭૧.
ઘડો માથે, ઉઘાડા પગ, ધખે છે ધોમ તડકો ત્યાં,
છતાં ગાતી જતી ગીતો, ભરીને મન હરખથી એ.

૧૭૨.
હજારો ‘શુભ દિવાળી’ના મળે સંદેશ ફોનોમાં,
પડોશી કોણ છે, એ પણ ખબર ના, ક્યાં કદી મળ્યા?

૧૭૩.
હવે બોખું સજનનું મોં, છતાં હસવું મધુર લાગે,
ગયો ગુલમોર જોબનનો, હવે ખીલ્યું કમળ ઘડપણ.

૧૭૪.
પરાગે રણ મહીં વાવ્યાં હતાં બે-ચાર ગુલમોરો,
તરસ પીધી, સહી ગરમી, અને આપી ગયા છાંયો.

૧૭૫.
જવું છે એક દી સૌને, ન લઈ જાવું કશું સાથે,
ઉઘાડા હાથ લઈ આવ્યા, ઉઘાડા હાથ લઈ જાશું.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૬૬–૧૩૫આગલો લેખ →છૂટા શેર ૧૭૬–૨૧૦