છોડે નહીં
પાડતું પગલી, છતાં એ આંગળી છોડે નહીં,
દ્વારિકાના રાજવી પણ વાંસળી છોડે નહીં.
પાનખર આવી, ગયાં સૌ પાંદડાં ખરતાં જુઓ,
તોય ઝાકળ એક ભીની ડાંખળી છોડે નહીં.
હાસ્યનું મ્હોરું ધરીને નીકળું છું રોજ હું,
એક ડૂમો, શ્વાસ સાથે, પાંસળી છોડે નહીં.
સાપ પણ વરસે વરસ જૂની ત્વચા ત્યાગી શકે,
માનવી એવો, અહમની કાંચળી છોડે નહીં.
આ પરાગે પાંખ ખોલી, આભ આખું ઊડતો,
તોય માની પ્રીતની એ સાંકળી છોડે નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #મમતા #અહમ #વેદના #કૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Attachment #Ego #SilentPain #MothersBond #ParagRatanpara