છેલ્લી વાટ
સાવ ખાલી પોટલું લઈ ચાલ્યો છેલ્લી વાટ,
ના કોઈ ઘોડો, ના કોઈ ગાડી, ના કોઈ ઊંચો ઠાઠ.
જે ઘર ચણ્યું’તું ઈંટે ઈંટે, એ ઊભું રહ્યું પાછળ,
જે નામ કોતર્યું આરસે, એ ઢંકાશે ધૂળ-વાદળ;
સાથે આવ્યાં બસ બે આંસુ, ને માડીનો હાથ…
સાવ ખાલી પોટલું…
સફર તો જાણે શરૂ જ કીધી, ને આવી ગયું સ્ટેશન,
અધૂરી ચા, અધૂરી વાતો, અધૂરું કોઈ વચન;
કહેવું’તું જે કાલે, તે તો રહી ગયું હોઠ પાસ…
સાવ ખાલી પોટલું…
પરાગ કહે: આ વાટ છે સૌની, ના કોઈ બાકી રહેશે,
જેણે આપ્યું, એ જ સાથે જાશે, બાકી સૌ અહીં વહેશે;
મ્હેક છોડી જાજો પાછળ, જેમ ફૂલ કરે પ્રભાત…
સાવ ખાલી પોટલું…
– પરાગ રતનપરા