છઠ્ઠીના લેખ
વિધાતા તો લખી ચાલી ઉદાસી-ભાગ છઠ્ઠીએ,
ન ગીતો કે ન સરગમ, બસ ઘણો વૈરાગ છઠ્ઠીએ.
ગળે આપ્યો મધુર સ્વર, ને નયનમાં નીર દીધું પણ,
ગવાયો ભૂખના સૂરે અધૂરો રાગ છઠ્ઠીએ.
હતો ચૂલો, હતી હાંડી, ન’તા દાણા ઘરે એકે,
ધુમાડો છે, ન રોટી, બસ ઉદરમાં આગ છઠ્ઠીએ.
ભલે ગંગાજળે નાહ્યો, ભલે વિદ્યા ઘણી પામ્યો,
ન ભૂંસાયો, જનમ સાથે લખેલો દાગ છઠ્ઠીએ.
પરાગે ફૂલને પૂછ્યું: ‘કહે, શું ભાગ્યમાં તારા?’
હસી બોલ્યું: ‘ખરી જાવું, રહે આ બાગ’ — છઠ્ઠીએ.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાગ્ય #વિધાતા #ગરીબી #જાતિભેદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #Fate #Poverty #CasteDiscrimination #ParagRatanpara