← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાતીમાં દરિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાતીમાં દરિયો ઊછળે, ને કાંઠો ક્યાંય ન મળે,
હસતું મોઢું રાખું, ને ભીતર મોજું ટળવળે.

કહું તો કોને કહું, કે મનમાં મોજાં મોટાં,
લોક પૂછે ‘કેમ છો?’, હું કહું ‘મજામાં’, ખોટાં;
હસતા મોઢે ભીતર ભાંગું, જેમ રેતીનો કિલ્લો ઢળે…
છાતીમાં દરિયો…

ગામ ગયું, ને મા પણ ગઈ, ગયો બાળપણનો સાથી,
ખાલી ઘરમાં બોલું તો ભીંત્યું આપે પાછી;
એકલવાયું મન મારું, જેમ સૂનો દીવો બળે…
છાતીમાં દરિયો…

પરાગ કહે: આ છોળ ઝીલે એવું હોય એક હૈયું,
જે ના પૂછે, ના સલાહ દે, બસ ખભો દઈ રહ્યું;
એવું મળે તો દરિયો પણ શાંત થઈ પાછો વળે…
છાતીમાં દરિયો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભીંજાવાનું ગીતઆગલો લેખ →સફેદી