છાંયડો
સાંજ ઢળતાં કેટલો લંબાય મારો છાંયડો,
ને બપોરે સાવ નાનો, સાવ ન્યારો છાંયડો.
દીવડાની જ્યોત ધ્રૂજે, ધ્રૂજતો આ ભીંત પર,
રાતભર ડરતો રહે છે એ બિચારો છાંયડો.
બાપ ગ્યા એને થયાં વરસો, છતાં આ ઓસરી
છે હજી ઓઢી રહી એનો જ પ્યારો છાંયડો.
સૂર્ય સામે જો ચલો, તો એ ય પાછળ ચાલતો,
પીઠ ફેરો, તો કરે આગળ, ઠગારો છાંયડો.
ફૂલની નીચે ‘પરાગે’ જોઈને જાણ્યું, અરે!
મ્હેકનો હોતો નથી, ના બોજ-ભારો, છાંયડો.
– પરાગ રતનપરા
#ગઝલ #પડછાયો #છાંયડો #પિતા #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Shadow #FathersShade #Philosophy #LightAndShade #ParagRatanpara