ચશ્માં વિના
આંખ બેતાલ, ના કામ ચશ્માં વિના,
હું ન વાંચી શકું નામ ચશ્માં વિના.
દૂરથી બા લખે, ‘આવ પાછો ઘરે,’
પણ ન દેખાય એ ગામ ચશ્માં વિના.
આંકડા સાવ ઝીણા લખે છે બિલે,
કેમ જાણું પછી દામ ચશ્માં વિના?
રોજ પોથી ઉઘાડું, ભજન પણ કરું,
ક્યાં જડે ભીતરે રામ ચશ્માં વિના?
શેર ઝીણો પરાગે લખેલો, હવે
હું ય વાંચું નહીં આમ ચશ્માં વિના.
– પરાગ રતનપરા
#ગઝલ #ચશ્માં #ઉંમર #હળવીગઝલ #બેતાલા #પરાગરતનપરા
#GujaratiGhazal #Spectacles #MiddleAge #LightVerse #Humour #ParagRatanpara