← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકરડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવાર પડે ને દોડ શરૂ, ને સાંજ પડે ત્યાં થાકું રે,
ઘડિયાળનો કાંટો આગળ ને હું તો પાછળ હાંફું રે.

એ જ બસનો ધક્કો, એ જ ફાઈલ, એ જ સાહેબની બૂમ,
એ જ કૅન્ટીનની ફિક્કી ચા ને એ જ ઉદાસી ઝૂમ;
રોજ નવું કૅલેન્ડર-પાનું, તોય એ જ હું આંકું રે…
સવાર પડે ને…

રવિવારે સૂવાનું વિચારું, ત્યાં તો બા કહે: ‘બજાર’,
બાળક કહે: ‘પાર્કે ચાલો’, પત્ની કહે: ‘ઘરનો ભાર’;
સોમવાર તો ઝટ આવી ઊભો, ક્યાં જઈ મોઢું ઢાંકું રે?…
સવાર પડે ને…

પરાગ કહે: આ ચકરડીમાં પણ એક ઝીણી ખુશી છે,
બાળકના સ્મિતમાં, બાના હાથની રોટલીમાં ખુશી છે;
એ જ ખુશીની છાંયે બેસી ફરી સવારે ચાલું રે…
સવાર પડે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકિરણઆગલો લેખ →રાવણ હસે