← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાવી સોંપતાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાવી સોંપી ભાડાના ઘરની, ને પાછું વાળી જોયું,
ભીંતે ભીંતે મારું થોડું થોડું જીવતર રોયું.

બારણા પાછળ પેન્સિલની લીટી, દીકરાનું માપ,
પહેલે વરસે ઢીંચણ જેટલો, પછી ઊંચો આપોઆપ;
માલિક કહે છે ‘રંગ કરાવીશ’, મેં તો મન ત્યાં જ ખોયું…
ભીંતે ભીંતે મારું થોડું…

ખીલી પર લટકતું'તું કૅલેન્ડર, વીત્યાં કેટલાં વાર,
રસોડે બાની ધૂપસળીની હજી મ્હેકે છે ધાર;
ઘર તો ભાડાનું હતું રે, પણ સુખ તો સાચું પ્રોયું…
ભીંતે ભીંતે મારું થોડું…

પરાગ કહે: આ દેહ પણ ભાડે, એક દી ખાલી કરવો,
માલિક માગે ચાવી ત્યારે હસતો હાથ ધરવો;
ભીંતે એવું હેત લખી જા, જે ન કોઈએ ધોયું…
ભીંતે ભીંતે મારું થોડું થોડું જીવતર રોયું.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહોત તોઆગલો લેખ →નહીં માગું