← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદો થઈ આવીશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદો થઈ હું આવીશ તારે આંગણ પૂનમ-રાત,
ઝરૂખડે તું ઊભી રહેજે, કરશું ચુપકી વાત.

દિવસે તો સૌ જોતું’તું ને ગામ કરે છે વાતો,
રાત પડે ત્યાં ઓઢી લેજે ચાંદરણાની ભાતો;
મેડી ઉપર ઢોળી દઈશ હું રૂપેરી સોગાત…
ચાંદો થઈ હું આવીશ…

અમાસ આવે તો ના રોજે, એ તો મારો વેશ,
ઘટતો ઘટતો આવું તોયે ના છોડું તુજ દેશ;
બીજનો નાનો ચાંદો થઈને ફરી કરીશ શરૂઆત…
ચાંદો થઈ હું આવીશ…

પરાગ કહે: આ ચાંદો તો છે પ્રીતનો જૂનો ટપાલી,
લાખ ઝરૂખે પહોંચાડે એ વાત અધૂરી, ખાલી;
ઊછળે સાગર, ભરતી આવે, ધબકે આખી જાત…
ચાંદો થઈ હું આવીશ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએકલોઆગલો લેખ →હલેસાં