ચાલ્યા કરું
કોઈ ના સંગાથ, તોયે એકલો ચાલ્યા કરું,
રાહ ના દેખાય, તોયે આંધળો ચાલ્યા કરું.
પાંખ ના, ને પગ નથી, પણ જીદ છે અકબંધ, તો
હાથના ટેકે ઢસડતો પાંગળો ચાલ્યા કરું.
વૈદ બોલ્યા: થોભ, થોડો કર હવે આરામ તું,
ખાટલે સૂતો નથી, હું માંદલો ચાલ્યા કરું.
પેટ ખાલી, હાથ ખાલી, તોય હસતો હોઠ પર,
દોરડા પર નટ સમો હું પાતળો ચાલ્યા કરું.
ડાળથી છૂટી પરાગે મ્હેક વેરી બાગમાં,
બંધનો તોડી હવા શો મોકળો ચાલ્યા કરું.
– પરાગ રતનપરા
#ગઝલ #સફર #જિજીવિષા #એકલયાત્રા #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #KeepWalking #WillToLive #SoloJourney #Resilience #ParagRatanpara