ચાલશે
આ સડક પર છો ગમે ત્યાં હોય ખાડા, ચાલશે,
ટ્રેન મોડી, બસ ય મોડી, સૌ ય આડા, ચાલશે.
દૂધમાં પાણી ભળે, ઘીમાં ભળે ચરબી ભલે,
આપણું તો પેટ પત્થર, તો ય ઝાડા ચાલશે!
નળ વહે આખો દિવસ ને વીજળી બળતી સદા,
બાપનું ઘર, બાપનું બિલ, ક્યાંય ભાડાં? ચાલશે!
છોકરાને ટ્યૂશનો, ને ટ્યૂશનોમાં ટ્યૂશનો,
જ્ઞાન ઓછું, માર્ક ઝાઝા, ગણિત આડાં, ચાલશે.
આ પરાગે પણ ગઝલમાં ભૂલ કીધી હોય તો,
એ ય સૌ સ્વીકારશે, બે-ચાર ગાડાં ચાલશે!
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ચાલશે #સમાજ #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ChalseAttitude #SocialHumour #Complacency #ParagRatanpara