ચાકડે
શ્વાસ, સપનાં, ભૂખ ને આશા ધરી તેં ચાકડે,
તોય ના સંતોષ મૂક્યો, તેં જ તારા ચાકડે!
આંખ આપી, આંસુ આપ્યાં, ને હસી દીધી વળી,
એક માણસ કેટલી માટી ખમે આ ચાકડે?
સાવ કાચો ઘટ હતો ને ચાલતો હું ધૂપમાં,
ઠોકરે જાણ્યું, રહી ગઈ છે કચાશો ચાકડે.
મંદિરે તું તો બિરાજે મૂર્તિ થઈ આરામથી,
ને અમે ઘૂમ્યા કરીએ રાતદિન આ ચાકડે.
કુંભકારે થાપ મારી, ત્યાં જ ઘટ ઘડતર થયું,
દુઃખ તારી થાપ છે, એ જાણ થઈ આ ચાકડે.
આ પરાગે ફૂલ થઈને મ્હેક દીધી વિશ્વને,
એક ક્ષણ ખીલ્યો, પછી પાછો ગયો એ ચાકડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સર્જનહાર #કુંભાર #માટીનોમાણસ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheCreator #PottersWheel #HumanClay #Spirituality #ParagRatanpara