બુદ્ધ છે
ઊંઘમાં ડૂબેલ જગમાં જે ય જાગ્યો, બુદ્ધ છે,
રાજવી વૈભવ, બધો સંસાર ત્યાગ્યો, બુદ્ધ છે.
હંસને જે તીર વાગ્યું, ઘાવ એનો જોઈને,
એ જ પીડાથી હૃદયમાં ઘાવ વાગ્યો, બુદ્ધ છે.
રાજનો કુંવર હતો, સોનું હતું થાળી મહીં,
સત્ય શોધે મધ્યરાતે ચૂપ ભાગ્યો, બુદ્ધ છે.
રોજ ઑફિસ, રોજ ટ્રાફિક, રોજ ઘરની ઝંઝટો,
એ વચે જે શ્વાસ પોતાનો જ તાગ્યો, બુદ્ધ છે.
આ પરાગે મ્હેક વ્હેંચી, ને ખરી ગ્યો ધૂળમાં,
મૃત્યુ જેને ફૂલ શો હળવો જ લાગ્યો, બુદ્ધ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બુદ્ધ #જાગૃતિ #કરુણા #ધ્યાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Buddha #Awakening #Compassion #Mindfulness #ParagRatanpara