ભોળું હૈયું
ભોળું હૈયું માને નહીં રે, કેટલું રે સમજાવું,
જ્યાં જ્યાં વ્હાલ મળે ત્યાં દોડે, કેમ કરી અટકાવું?
કોઈ હસીને બોલે ત્યાં તો આખું ઘર દઈ આવે,
કોઈ ઘડીક રિસાય ત્યાં તો રાતભર ના સુવાવે;
કાચના વાસણ જેવું, એને ક્યાં ક્યાં લઈ સંતાડું?
ભોળું હૈયું માને નહીં રે…
બુદ્ધિ કહે છે: ‘ગણી ગણીને વ્હાલ વહેંચવું ભાઈ,’
હૈયું કહે છે: ‘ગણવા બેસું તો ખૂટી જાય સગાઈ;’
બેઉની વચ્ચે ઝોલાં ખાતું મન મારું હું ઝુલાવું…
ભોળું હૈયું માને નહીં રે…
પરાગ કહે: આ લાગણી તો છે ઝરણાનો સ્વભાવ,
પથ્થર વાગે તોય વહે ને ગાય મધુરો ભાવ;
ભોળપણ જ મારી મૂડી, હું એને ના વટાવું…
ભોળું હૈયું માને નહીં રે…
– પરાગ રતનપરા