ભેજ
આંખમાં, ભીંતે, હવામાં, ફૂલ-ડાળે ભેજ છે,
બારણું ખૂલે નહીં, જામેલ તાળે ભેજ છે.
રાતભર બાળી હતી મેં યાદ તારી, તે છતાં
ના બળી પૂરી, હજી એ આગ-જ્વાળે ભેજ છે.
સાંજ વરસાદી હતી, ને કેશ તેં છોડ્યા હતા,
આજ પણ એ સાંજના, તારા જ વાળે ભેજ છે.
ખેતરે પાણી ભરાયું, મોલ ડૂબી ગ્યો બધો,
ખેડુ ત્યાં બેઠો રડે છે, એ જ પાળે ભેજ છે.
આ પરાગે ગીત ગાયું વરસતા વરસાદમાં,
કાગળો ભીના થયા ને શબ્દ-જાળે ભેજ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ચોમાસું #ભેજ #સ્મૃતિ #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #Dampness #Memories #Longing #ParagRatanpara