ભીતરની વાંસળી
ભીતર કોઈ વાંસળી વાગે, સાંભળું આઠે પહોર,
અંતરમાં અજવાળું ઊગ્યું, ના સાંજ, ન કોઈ ભોર.
ના મંદિરમાં, ના મસ્જિદમાં, ના તીરથને ઘાટ,
એ તો મળ્યો મને મારા જ ભીતરની સૂની વાટ;
શ્વાસે શ્વાસે ગુંજે એનું નામ, ચારે કોર…
ભીતર કોઈ…
માળા તૂટી, મણકા વેરાયા, તોય ન છૂટ્યું ધ્યાન,
એક તંબૂરો વાગે ભીતર, ભૂલી સઘળું ભાન;
ઝીણી ઝીણી ઝાલર વાગે, નાચે મનનો મોર…
ભીતર કોઈ…
પરાગ કહે: આ સ્નેહ ન માગે સોનું, રૂપું, ધન,
ખાલી હાથે આવો તો એ ભરી દે આખું મન;
જે ડૂબે તે તરી જાય, એવો અનોખો દોર…
ભીતર કોઈ…
– પરાગ રતનપરા