ભીડમાં એકલી
ફોનમાં હજાર નામ, સખી, પણ કોને જઈને કહું?
ભીડ ભરેલા સંબંધમાં હું એકલી ને એકલી રહું.
જનમદિને સો સંદેશા, ‘હૅપી બર્થડે’ના ઢેર,
સાંજે કેક એકલી કાપી, કોઈ ન આવ્યું ઘેર;
દીવો ઠાર્યો, ને મેં મારી જાતને ‘આભાર’ કહું…
ફોનમાં હજાર નામ…
શબરીએ જેમ બોર ચાખ્યાં, ચાખું હું સંબંધ,
કોઈ ખાટા, કોઈ મીઠા, કોઈ તો કડવા કંદ;
મીઠા જે, તે રામને ધરું, બાકી સૌ ભૂલી જઉં…
ફોનમાં હજાર નામ…
પરાગ કહે: સંબંધ તો છે છોડ, રોજ પાણી માગે,
ગણતરીના નહીં, પણ સાચા, બે-ચાર જ પૂરતા લાગે;
એકાદ જણ જો રાતે જાગે, એટલું ધન હું ચહું…
ફોનમાં હજાર નામ…
– પરાગ રતનપરા