ભમરડો
ફરતો ફરતો ભમરડો ક્યાં ગ્યો? ક્યાં ગઈ પેલી દોરી?
ક્યાં ગ્યું મારું બચપણ ભોળું, ક્યાં ગઈ માની લોરી?
ધૂળમાં રમતા, ગાર ગૂંદતા, બાંધતા રેતનાં ઘર,
ખાબોચિયાંમાં કાગળની હોડી, દરિયો લાગે સરવર;
ખિસ્સાં ભરીને લખોટી, ને વાડેથી બોરની ચોરી…
ફરતો ફરતો…
હવે ફરું છું ઑફિસ-ઘરના ચક્કરમાં દિનરાત,
ભમરડા જેવો જ ઘૂમું, ના કરતો કોઈ વાત;
દોરી તો ખેંચે છે કોઈ, ને હું ઘૂમું કોરી-કોરી…
ફરતો ફરતો…
પરાગ કહે: આ ભમરડાને પૂછ્યું, ‘તને શું ગમે?’
બોલ્યો, ‘ફરતાં ફરતાં ઊભું રહેવું, જ્યાં મન નમે;’
ઘડીક થંભી જા, ઓ જીવડા, બચપણ મળશે ચોરી…
ફરતો ફરતો…
– પરાગ રતનપરા