← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભજનની રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકતારો રણક્યો ને મંજીરાં બોલ્યાં, ભજનની રાત જામી રે,
ચોરે બેઠી મંડળી, સૌએ અંતરજ્યોત પામી રે.

ધૂણો ધખે ને ચલમ ફરે, ને ભગતબાપુ ગાય,
‘મનવા, તું તો મુસાફર, ક્યાંથી આવ્યો ક્યાં જાય?’
ગામ આખું ઝૂલી ઊઠ્યું, જાણે સામે સ્વામી રે…
એકતારો રણક્યો…

ખેડૂત ભૂલ્યો થાક, ને ભૂલી ડોશી દુઃખડાં,
છોકરાં ઊંઘમાં હસતાં, જાણે ચાંદાનાં મુખડાં;
કબીર, નરસૈયો ને મીરાં — વાણી સૌની નામી રે…
એકતારો રણક્યો…

પરાગ કહે: પરોઢ પડ્યું, ને ઠરવા લાગ્યો ધૂણો,
પણ ભીતરમાં ઝળહળતો રહ્યો એ સૂરનો ખૂણો;
રાત ગઈ, પણ જાગી ગયો કોઈ અંતરજામી રે…
એકતારો રણક્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકથા આપણીઆગલો લેખ →પ્રેમળ જ્યોત