ભગાભાઈ
બધું જાણનારા, ગજબ છે ભગાભાઈ,
વિના પાંખ ઊડે, અજબ છે ભગાભાઈ.
ગજાવે ગલી ને ગજાવે સભાને,
ઘરે જાય ત્યાં તો અદબ છે ભગાભાઈ.
જમણવાર હો તો પહેલા પહોંચે,
ન પૂછો કશું પણ સબબ, છે ભગાભાઈ.
નથી કોઈ પદવી, નથી કોઈ ડિગ્રી,
ધરાવે ‘વિચારક’ લકબ છે ભગાભાઈ.
પરાગે ગઝલ એમની જ્યાં લખી, ત્યાં
હસે: ‘આ ય મારો કસબ!’, છે ભગાભાઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #વ્યંગ #પાત્રચિત્ર #સર્વજ્ઞ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Satire #CharacterSketch #KnowItAll #ParagRatanpara