ભભૂતિ
ભોળા રે શંભુ, ભભૂતિ ચોળી બેઠા કૈલાસ,
રાખમાં રમતો જોગી ને માથે ગંગાનો વાસ.
રાજા આવે, રંક આવે, સૌને સરખી રાખ,
સોનાનો મુગટ પહેરનારાની પણ અંતે એક જ ખાખ;
ભસ્મ ચોળીને શંભુ કહેતા: ‘છોડો સૌ અભિલાષ’…
ભોળા રે શંભુ…
ગળે ભુજંગ ને જટામાં ચંદર, હાથે ડમરુ વાગે,
સ્મશાન વચ્ચે ધૂણી ધખાવે, સૂતું જગત જાગે;
ઝેર પીધું તોય નીલકંઠ હસતો, કોઈ ન મળે ઉદાસ…
ભોળા રે શંભુ…
પરાગ કહે: આ ભભૂતિ કેરો મરમ સમજવા જેવો,
દેહ બળીને રાખ બને, પણ નામ રહે છે એવો;
જે બળે છે એ હું નથી, ને બચે એ શિવનો શ્વાસ…
ભોળા રે શંભુ…
– પરાગ રતનપરા