ભાર લાગે છે
હવે તો એટલો કોમળ, હવાનો ભાર લાગે છે,
ઉપાડ્યા ડુંગરો હસતાં, દુઆનો ભાર લાગે છે.
જુવાનીમાં ગળી’તી ઝેરની પ્યાલી ય હસતાં, પણ
હવે ઘડપણ મહીં નાની દવાનો ભાર લાગે છે.
ઘણાં વર્ષો રજા ઝંખી, હવે ઘરમાં જ બેઠો છું,
હવે તો રોજ ખાલી છે, રજાનો ભાર લાગે છે.
શિખર પર ફરફરે છે એ, બધાં માથાં ઝુકે નીચે,
છતાં પૂછે પવનને એ, ‘ધજાનો ભાર લાગે છે?’
પરાગે ફૂલને છોડી પવન સાથે સફર કીધી,
હવે ખુદની સુગંધીના નશાનો ભાર લાગે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાર #ઘડપણ #નિવૃત્તિ #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Burden #OldAge #Retirement #WeightOfPride #ParagRatanpara