ભાઈબંધોની સાંજ
ક્યાં ગઈ એ ચાની કીટલી, ક્યાં ગયા ભાઈબંધ?
ક્યાં ગઈ એ ઓટલાની સાંજ, ને ગપ્પાંનો આનંદ?
એક કટિંગ ચા ને ચાર જણ, ને ખિસ્સે પાંચ રૂપિયા,
મસ્તી, મજાક, ઝઘડા, ને પાછા ભેટી પડિયા;
ખિસ્સાં ખાલી, દિલ ભરેલાં, ના કોઈ ફિકર-ફંદ…
ક્યાં ગઈ એ…
કોઈ ગયો અમેરિકા, કોઈ ગયો દુબઈ,
કોઈ પરણીને ઘરનો થયો, કોઈ ગયો ઉપર, ભાઈ;
ગ્રુપમાં ‘હાય’ આવે, પણ અવાજ ક્યાં બુલંદ?…
ક્યાં ગઈ એ…
પરાગ કહે: આવતા રવિવારે ભેગા થઈએ,
કીટલી હજી ઊભી છે, ચાલો, ચા પી લઈએ;
ચાની સાથે ખૂલશે પાછી યાદોની સુગંધ…
ક્યાં ગઈ એ…
– પરાગ રતનપરા