ભાઈબંધ
દર્દમાં પાસે રહે, એવી દવા છે ભાઈબંધ,
હાથ મૂકે શીશ પર, તે તો દુઆ છે ભાઈબંધ.
આંબલી ચોરી હતી, ને ગોળ પણ ખાધો હતો,
માર ખાધો સાથમાં, એ પણ મજા છે ભાઈબંધ.
ઑફિસે ચિંતા, ઘરે હપ્તા, મગજ ભારે થયું,
‘ચાલ, ચા પીએ’ કહે જે, એ હવા છે ભાઈબંધ.
રોજની ઘટમાળમાં હું બળદ ઘાણીનો થયો,
જ્યાં મળે, રવિવાર જેવી સૌ રજા છે ભાઈબંધ.
જેલ જેવું લાગતું એકાંતમાં જીવ્યે, ‘પરાગ’,
મિત્ર વિણ આ જિંદગી જાણે સજા છે, ભાઈબંધ!
– પરાગ રતનપરા
#ગઝલ #મૈત્રી #ભાઈબંધ #દોસ્તી #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #BestFriend #ChildhoodPals #Bonding #ParagRatanpara