ભાડાનું ઘર
ઘર અમારાં ક્યાં હતાં? આ આંગણાં ભાડે હતાં,
રોજ ખખડાવે ધણી જે, બારણાં ભાડે હતાં.
દીકરો મોટો થયો જે ખોરડામાં, એ ઘરે
ગોદ બાની એક સાચી, પારણાં ભાડે હતાં.
દીકરીના લગ્નમાં ઝગમગ થયું આખું ફળી,
રોશની, ખુરશી, બધાં આ તોરણાં ભાડે હતાં.
શ્વાસનું ભાડું ભરીને આ શરીરે જીવતા,
આંખ પરનાં પાંપણોનાં ઢાંકણાં ભાડે હતાં.
શબ્દ પોતાના હતા, બસ એટલું સાચું, ‘પરાગ’,
આ જગતનાં હેત ને ઓવારણાં ભાડે હતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાડાનુંઘર #સ્થળાંતર #ગરીબી #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #RentedHome #Migration #Poverty #Impermanence #ParagRatanpara