બે મિનિટ
છોડ ને લૅપટૉપ, સજનવા, આવ ને મારી પાસ,
આભ ઝરે છે ઝરમર ઝરમર, ભીનો ભીનો શ્વાસ.
તારી મીટિંગ રોજ ચાલે, વરસાદ તો વરસે એક વાર,
ભીંજાવાનું કૅલેન્ડરમાં કેમ નથી તારે, યાર?
ઝરુખેથી બોલાવું તને, મોર કરે ઉપહાસ…
છોડ ને લૅપટૉપ, સજનવા…
ગરમ ભજિયાં, આદુની ચા, ને રેડિયે જૂનાં ગીત,
છત્રી બાજુ મૂકીને આવ, ભીંજાવાની રીત;
ટાર્ગેટ તો આવે ને જાયે, ક્ષણ ન આવે ખાસ…
છોડ ને લૅપટૉપ, સજનવા…
પરાગ કહે: ત્યાં સાયબો બોલ્યો: ‘બસ, બે મિનિટ, વહાલી,’
બે મિનિટમાં વરસાદ ગયો, ને સાંજ થઈ ગઈ ખાલી;
વહેલો આવજે બીજે વર્ષે, વરસાદ! — એ જ છે આશ…
છોડ ને લૅપટૉપ, સજનવા…
– પરાગ રતનપરા