← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપુની સાઇકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુની સાઇકલ રે, અમારી મોંઘી મોટર-ગાડી,
આગળ હું ને પાછળ બા, ને વચ્ચે ઘંટડી ગાતી.

કેરિયર પર થેલી ભરેલી, શાક, લોટ ને તેલ,
ઢાળ ઊતરતાં પવન વીંઝાતો, જાણે ઊડતી રેલ;
ચોકડીએ જઈ બાપુ બોલે: ‘પકડજે, આવી ગાડી!’…
બાપુની સાઇકલ રે…

પંક્ચર પડે તો બાપુ હસતા, ‘ચાલ, જરા ચાલીએ,’
ચાંદાની સાથે ગામની સડકે વાતોની ખીચડી રાંધીએ;
પૈસા ઓછા, પણ સુખ એટલું, જાણે લીલી વાડી…
બાપુની સાઇકલ રે…

પરાગ કહે: આજ આંગણે મારી મોટર ઊભી ચકચક,
પણ એમાં બેસું ત્યાં મનમાં ઘંટડી વાગે ટણણ ટક;
કોઈ ગાડીમાં ક્યાં જડે એ બાપુની પીઠ પહાડી?…
બાપુની સાઇકલ રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલોકશાહીનો રિપોર્ટઆગલો લેખ →માનું ઉધાર