બાપુની પાઘડી
ખીંટીએ ટાંગી બાપુની પાઘડી, હજી ઊભી છે અડીખમ,
ઘરમાં સૌ નમીને ચાલે, જાણે બાપુ બેઠા હરદમ.
મોટા દીકરાના લગનમાં બાંધી’તી કેસરિયે રંગે,
ગામ આખું ઝૂક્યું’તું ત્યારે, ઢોલ વાગ્યા’તા સંગે;
એ જ પાઘ હવે મૂંગી મૂંગી, ઓઢી બેઠી છે ગમ…
ખીંટીએ ટાંગી…
દીકરો હવે શહેરમાં રહે, માથે કશું ના પહેરે,
ફૅશન કહે: ‘ઉઘાડું માથું’, ભલે તડકો ઘેરે;
પણ ઘેર આવે ત્યારે પહેલું પાઘને કરે નમન…
ખીંટીએ ટાંગી…
પરાગ કહે: આ પાઘ નથી, આ આબરૂનો છે તાજ,
વડીલોએ જે સાચવ્યો, એ રાખવો છે આજ;
માથે ભલે ના મૂકીએ, હૈયે રાખીએ હરદમ…
ખીંટીએ ટાંગી…
– પરાગ રતનપરા