બાપુ વડલો
બાપુ મારા વડલા જેવા, ડાળે ડાળે છાંય,
તડકા સઘળા માથે ઝીલે, અમને કાંઈ ન થાય.
વહેલી સવારે ખેતર જાતા, પગમાં ફાટ્યા જોડા,
સાંજે આવે, ખિસ્સે લાવે ગોળ-ચણાના પડીકાં થોડાં;
ભીંજે એ પરસેવે, ને અમ પર ઝાકળ જેવું વ્હાલ વરસાય…
બાપુ મારા વડલા જેવા…
કદી ન બોલે ‘ગમે છે’ એવું, કદી ન બોલે ‘ભૂખ’,
આંખોના ખૂણે સંતાડે, આખા ઘરનું દુઃખ;
મૂળિયાં જેમ ધરામાં ઊંડા, દેખાય નહીં, તોય જીવાય…
બાપુ મારા વડલા જેવા…
પરાગ કહે: આજ વડલો ઘરડો, ડાળો થઈ ગઈ ધોળી,
તોય પંખીડાં પાછાં આવે, લઈને માળા-ટોળી;
જેણે છાંયો આપ્યો જીવનભર, એનો છાંયો થઈએ ભાઈ…
બાપુ મારા વડલા જેવા…
– પરાગ રતનપરા