અંદરે
તીર્થમાં શોધ્યો સદા જે, એ જ આવ્યો અંદરે,
બ્હાર સૂકો બાગ જોયો, છોડ વાવ્યો અંદરે.
ધૂપ, દીવો, ઘંટ, ભજનો, ભીડમાં ખોવાઈ ગ્યો,
ક્યાંય ના ફાવ્યો, ફકત એકાંત ફાવ્યો અંદરે.
ઈશને શોધ્યો જગતભર, એક દરવેશે પછી
આરસી સામે ધરીને એ બતાવ્યો અંદરે.
છપ્પનો ભોગો ચડાવ્યા, તૃપ્તિ ના પામ્યો કદી,
એક ભૂખ્યાને જમાડ્યો, સ્વાદ ભાવ્યો અંદરે.
બ્હાર ફૂલો તો ‘પરાગે’ લૂંટવા દીધાં, પછી
મ્હેક જેવો એક દીવો મેં જગાવ્યો અંદરે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #અંતર્યાત્રા #ઈશ્વર #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #InnerJourney #DivineWithin #SelfDiscovery #ParagRatanpara