અંદર
ઉપર ફૂલ ઉત્સવ, રડે લાશ અંદર,
ધુમાડો ધુમાડો જ આકાશ અંદર.
ઉપર ચાંદની જેમ ઝગતી સપાટી,
તળે ઝેર, કાદવ, ન ભીનાશ અંદર.
જગતભર ફરી દીપ લઈ હાથમાં, પણ
નયન બંધ કરતાં જ અજવાશ અંદર.
ગળે હાર ફૂલો તણો, શાલ ખભ્ભે,
અને રોજ ભીંસે નવો પાશ અંદર.
પરાગે ભ્રમર થઈ સુગંધી જ શોધી,
હતો ફૂલ જેવો જ અવકાશ અંદર.
– પરાગ રતનપરા
#ગઝલ #અંતર્મન #દંભ #આત્મખોજ #અંતરદીપ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerSelf #Hypocrisy #SelfDiscovery #InnerLight #ParagRatanpara