અણગમાની ક્ષણ
અરીસામાં જોતાં જોતાં જો પોતાથી અણગમો થાય,
ત્યારે શું કરવું, એ કોઈ શાસ્ત્રમાં ક્યાં લખાય?
ઊંચા મ્હેલે બેઠા હો, ને ભીતર ઝૂંપડી રોતી,
લાખો હાથે તાળી પડે, ને આંખ કશું ન જોતી;
ત્યારે ‘કાકા’ કહીને કોઈ બાળક બોલાવી જાય…
અરીસામાં…
જીવનભર જે દોડ્યા, એનો અર્થ જરા ના મળે,
હાર્યા કે જીત્યા, એ હિસાબ પણ ના કોઈ કળે;
ત્યારે માની જૂની ચિઠ્ઠી કબાટમાંથી જડી જાય…
અરીસામાં…
પરાગ કહે: એ ક્ષણને તો હસીને ગળે લગાડો,
પોતાને ના ગમવું, એ પણ નવો જનમ છે, જાણો;
એ ક્ષણ પછી જ પોતાનો સાચો ચહેરો ઓળખાય…
અરીસામાં…
– પરાગ રતનપરા