અલખનો જોગી
અલખ નિરંજન બોલે જોગી, ઝોળી ખાલી ખાલી રે,
ખાલી ઝોળીમાં આખું બ્રહ્માંડ, એ તો મસ્ત મવાલી રે.
ના ઘર, ના ઘરવાળી, ના કોઈ દેણું-લેણું,
ધરતી પાથરણું ને ઓઢણ આભનું રેણું;
તારે તારે તંબૂરો છેડે, ચાંદો દે તાળી રે…
અલખ નિરંજન…
રાજા આવ્યો સોનું લઈને, જોગી બોલ્યો: ‘ભાઈ,
તારા સોનામાં મારો ક્યાં ઊંઘ્યો છે સાંઈ?’
રાજા ઊભો ખાલી હાથે, જોગી ઝૂમે ન્યાલી રે…
અલખ નિરંજન…
પરાગ કહે: જેણે ‘હું’ને ઝોળીમાંથી ફેંક્યું,
એણે ઈશ્વરને ગલીએ ગલીએ ફરતો દેખ્યું;
ભરેલાં તો સૌ ખાલી, ને ખાલી ભરેલ રહે ભાળી રે…
અલખ નિરંજન…
– પરાગ રતનપરા