અગ્નિકન્યા
યજ્ઞકુંડમાંથી ઊઠી હું, અગનજ્વાળનું ફૂલ રે,
પાંચ પાંચ પતિ વચ્ચે ઊભી, તોય એકલી ભૂલ રે.
જુગટે મૂકી મને, જાણે મૂકી હોય ગાય,
ભરી સભામાં ભીષ્મ ચૂપ, ને ચૂપ ગુરુની છાંય;
ખેંચાતો મારો ચીર ને, ખેંચાતું આખું કુળ રે…
યજ્ઞકુંડમાંથી ઊઠી હું…
ખુલ્લા કેશે ફરતી રહી હું તેર તેર વરસ,
લોહીથી ધોઈ વેણી બાંધી, એ જ મારો જશ;
મહાભારત તો પછી લખાયું, પહેલાં મારું શૂળ રે…
યજ્ઞકુંડમાંથી ઊઠી હું…
પરાગ કહે: આ યુગેયુગે દ્રૌપદી ઊભી ચોક,
આજે પણ કો' ચીર ખેંચાય ને મૂંગા રહે લોક;
કૃષ્ણ વિના પણ જાગે જો સૌ, તો જ મટે આ ધૂળ રે…
યજ્ઞકુંડમાંથી ઊઠી હું…
– પરાગ રતનપરા