અધૂરી કવિતા
અધૂરી એક કવિતા રોજ મધરાતે જગાડે છે,
કદી ઝાંઝર, કદી ઝૂલો, કદી વાતે જગાડે છે.
નથી કાગળ, નથી શાહી, કલમ પણ ક્યાંક ખોવાણી,
છતાં ભીંતે લખાવી એ મને જાતે જગાડે છે.
ઘરે સૌ ચીડથી બોલે, ‘હવે ઊંઘો જરા, સાહેબ!’
ગઝલ ક્યાં ઊંઘવા દે છે? નવા ઘાતે જગાડે છે.
કબાટે એક કાગળ છે, ન મોકલ્યો કદી જેને,
ગડી વાળેલ એ કાગળ, કયા નાતે જગાડે છે?
પરાગે ઊંઘને છોડી, ગઝલને ગોદમાં લીધી,
સુવાડે મા બનીને, ને ફરી પ્રાતે જગાડે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિતા #ઉજાગરો #સર્જન #કવિનીરાત #પરાગરતનપરા
#GujaratiGhazal #Poetry #SleeplessNights #CreativeUrge #PoetsLife #ParagRatanpara