આયનો
રોજ મારા ભ્રમ બધાને તોડતો આ આયનો,
ને પછી ટુકડા બધાયે જોડતો આ આયનો.
ખૂબ શણગાર્યો મને, ને ઠાઠથી ચાલ્યો પછી,
ભેદ ભીતરનો બધો ઝટ ફોડતો આ આયનો.
બાળપણમાં એ જ હસતો, જીભ કાઢી ઝૂમતો,
આજ ધોળા વાળ ગણતાં છોડતો આ આયનો.
મંચ પર મોટા બનીને જે ગજાવે ભાષણો,
એમને દેખી ડરીને દોડતો આ આયનો!
ફૂલ સામે એ ય મ્હેક્યો, ત્યાં સમજ આવી, ‘પરાગ’,
હાસ્ય આપો, હાસ્ય સામે ચોડતો આ આયનો.
– પરાગ રતનપરા
#ગઝલ #આયનો #સત્ય #આત્મદર્શન #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Truth #SelfReflection #Satire #ParagRatanpara