← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણું ખેતર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું હળ હાંકું ને તું બીજ વેર, સાજણ, આપણું ખેતર લ્હેરે,
પરસેવે મારા ને તારા ગીતે, ધરતી લીલું પ્હેરે.

વહેલી સવારે બળદની ઘંટડી, તારું છાશનું દોણું,
શેઢે બેસીને ભાતું ખાઈએ, રોટલો લાગે સોનું;
તડકો તપે તો તારી ચૂંદડી, છાંયો થઈને ઘેરે…
હું હળ હાંકું…

વાદળ રીસાય તો આભને તાકીએ, ભેળાં કરીએ બાધા,
પહેલું ફોરું પડે ને, સાજણ, નાચીએ રાધા-માધા;
ડૂંડે ડૂંડે દાણા બેસે, જાણે મોતી સેરે…
હું હળ હાંકું…

પરાગ કહે: આ ખેતર નથી, આ તો આપણો સંસાર,
તું વાવે હેત ને હું ખેડું ધીરજ, ત્યારે ઊગે પ્યાર;
મોલ ભરેલાં ગાડાં ચાલે, ગામ આખું યે હરખે ઘેરે…
હું હળ હાંકું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમળીશુંઆગલો લેખ →બાગમાં બળવો